Site icon Revoi.in

હવામાનમાં આવેલો પલટો અને ડિહાઈડ્રેશન ઉત્પાદકોની માગ ઘટતાં સફેદ ડુંગળીના ભાવ ઘટ્યાં

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં લાલ ડુંગળીની જેમ સફેદ ડુંગળીનું પણ સારૂએવું ઉત્પાદન થાય છે. રાજ્ય પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જતાં તેમજ સફેદ ડુંગળીનો સૌથી વધુ ઉપયોદ કરવામાં આવે છે તે ડિહાઈડ્રેશનના ઉત્પાદકોની માગ નબળી પડતા સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોની હાલત કફોડી બની છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં મહુવા તેમજ ધોરાજી, ઉપલેટા, જેતપુર અને કેશોદ વગેરે વિસ્તારમાં સફેદ ડુંગળીનો સારોએવો પાક થાય છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ઘટાડો થતાં ખેડુતોની હાલત કફોડી બની છે. સફેદ ડુંગળીની નવી આવક શરૂ થઇ ત્યારે એક તબક્કે રૂ. 200 સુધી ભાવ પહોચ્યા હતા. જે ઘટીને ભાવ રૂ. 168-170 સુધી ઉતર્યા હતા. ત્યારબાદ  રૂ. 20 નો ઘટાડો થતાં મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 60-148 સુધીના ભાવ થઇ ગયા હતા. માલની ગુણવત્તા સારી નથી અને હવે વાતાવરણ બદલાઇ રહ્યું હોવાથી ખેડૂતો ગભરાટથી વેચવાલી કરી રહ્યા છે. સરકારે ડુંગળીના વેચાણ પર સહાય જાહેર કરી છે પણ તેનાથી ખેડૂતોને કોઇ ફાયદો મળ્યો નથી. ભાવ તૂટી જતા નુક્સાની સહન કરવી પડી રહી હોવાનું ખેડુતો કહી રહ્યા છે.
મહુવા યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, સફેદ ડુંગળીની સીઝન આશરે બે મહિનાની હોય છે. સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલમાં આવકો થઇ જાય છે. આ વર્ષે સીઝન મોડી છે એટલે એપ્રિલ અને મે માસમાં આવકો શરૂ થઇ હતી. માર્ચમાં યાર્ડમાં આશરે 17.50 લાખ ગુણી, એપ્રિલમાં 21 લાખ ગુણી અને મેમાં અત્યાર સુધીમાં 22 લાખ ગુણી આવક થઇ છે અને માસાંત સુધીમાં વધુ બે લાખ ગુણીની આવક થવાનો અંદાજ છે. આમ સફેદ ડુંગળીની મબલક આવકને કારણે ભાવ ઘટી ગયા છે. ખેડૂતો પાસે ખૂલ્લામાં ઘણો માલ પડ્યો છે અને હવે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થતાં વેચવાલીનો દોર શરૂ થયો છે. બીજી તરફ માગ ઓછી છે એટલે ભાવ પર પ્રભાવ પડ્યો છે.
ગુજરાતમાં સફેદ ડુંગળીમાંથી ડિ-હાઈડ્રેશન બનાવતા અનેક ઉત્પાદકો છે. ડિહાઇડ્રેશનના ઉત્પાદકોના કહેવા મુજબ સફેદ ડુંગળીનું વાવેતર વધારે હતુ પણ વીઘાદીઠ ઉતારા ઓછાં આવશે તેવી ધારણા થોડા અંશે ખોટી પડી હોય એવું લાગે છે. કારણકે આવકોનું જોર વધારે છે. આવકો મોડી પડી હતી છતાં હજુ મે માસના અંત સુધીમાં ધૂમ આવકો રહેશે એવું માનવું છે. ધોરાજી, ઉપલેટા, જેતપુર અને કેશોદ વગેરે જેવા નવા પટ્ટામાંથી પણ સફેદ ડુંગળીની આવક થયા કરતી હોવાથી માલનું દબાણ સારું રહે છે. સફેદ ડુંગળીની અછત રહેશે એવી ધારણાને લીધે અગાઉથી જ ડિહાઇડ્રેશન એકમોએ પેટભરીને માલ એકઠો કરી લીધો છે એટલે હવે નવી માગ ખૂબ ધીમી પડી ગઇ છે. ડિહાઇડ્રેશનમાં નિકાસની માગ રશિયા અને યુક્રેનના યુધ્ધને લીધે ધીમી છે. નિકાસકારો એડવાન્સ પેમેન્ટ સિવાય સોદા કરવાના મૂડમાં નથી. દરેકને પૈસા ફસાય જવાનો ડર પેસી ગયો છે. ડિહાઇડ્રેશનમાં કિબલનો ભાવ એક કિલોએ રૂ.110-112 અને પાઉડરનો ભાવ રૂ. 90 જેટલો કારખાનાઓમાં ચાલે છે.