રાજકોટના પ્રધ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે બે વાઘબાળને જન્મ આપ્યો, વાઘની સંખ્યા વધી
રાજકોટઃ શહેરના મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને બે સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ ગાયત્રી અને યશોધરા છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે વહેલી સવારના સમયે 2 વાઘ બાળનો જન્મ થયો હતો. ઝૂના કર્મચારીઓ પણ વાઘ અને બન્ને વાઘણોની સારી દેખભાળ રાખી રહ્યા છે.
રાજકોટના પ્રાણી સંગ્રહાલયના પ્રધ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. જે વાઘણે બે વાઘબાળને જન્મ આપ્યો છે.તેનું નામ ગાયત્રી છે. અને ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર અને ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશિયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખૂબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહ્યું છે. હાલ ઝૂ ખાતે 2 સફેદ વાઘબાળનો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 6 થઇ ગઈ છે. જેમાં પુખ્ત નર 1, પુખ્ત માદા 3 અને 2 બચ્ચાનો સમાવેશ થાય છે. હાલ ઝૂમાં જુદી જુદી 59 પ્રજાતિઓનાં 490 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.