Site icon Revoi.in

અડાલજ-કોબા રોડ પર વ્હાઈટ ટોપિંગ કામગીરીને લીધે સિંગલ વે કરાતા સર્જાતો ટ્રાફક જામ

Social Share

ગાંધીનગરઃ અડાલજથી કોબા રોડને વ્હાઈટ ટેપિંગનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે ટુ-વે રોડને વન-વે કરવામાં આવ્યો છે. એટલે કે એકબાજુનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તેના લીધે આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ રોડ પર ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસના જવાનો પણ જોવા મળતા નથી. બીજીબાજુ કેટલાક વાહનચાલકો પણ શિસ્ત જાળવતા નથી.

ગાંધીનગર શહેરમાં મજબૂત અને વર્ષો સુધી ટકી રહે તેવા નવી ટેક્નોલોજીના વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ સુવિધા ઉપલબ્ધ થાય તે પહેલા રસ્તાની કામગીરીને કારણે વાહનચાલકો માટે સમસ્યારૂપ બની ગયા છે. અડાલજ- કોબા રોડને 8 મીટરનો બનાવી દેવાયા બાદ તેની પહોળાઇ વધારવાનો નિર્ણય લેવાતા ફરી કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી આ રોડ પર વાહન વ્યવહારને ફરી સિંગલ લેન કરી દેવાયો છે. જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.

અડાલજ-કોબા સુધીના વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે. સામાન્યરીતે વ્હાઈટ ટોપિંગ રોડ ડામરની સરખામણીમાં મજબૂત અને ટકાઉ હોય છે પરંતુ તેનો ખર્ચ અનેકગણો વધારે હોય છે. સરગાસણ ચારરસ્તાથી રક્ષાશક્તિ સર્કલ સુધીનો રોડ સિક્સ લેન બનાવવાનો નિર્ણય લેવામાં આવતા તેનો ખર્ચ વધીને 28 કરોડ થયો છે. તે જ પ્રમાણે અડાલજ- કોબા રોડ પણ પહોળાઇ વધારીને 12 મીટર કરવાનો નિર્ણય લેવામાં આવતા આ રોડની પહોળાઇ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને કારણે એક તરફની લેન બંધ કરી દેવામાં આવતા આ રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વકરી ગઇ છે.