દિલ્હીઃ કોરોનાવાયરસનો ડેલ્ટા વેરિયન્ટ દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ હવે ધીમે ધીમે પોતાનું માથુ ઉચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવામાં WHOએ પણ લોકોને આ બાબતે અપીલ કરી છે.
WHO દ્વારા અપીલ કરવામાં આવી છે કે ડેલ્ટા વેરિયન્ટ સૌથી ખતરનાક અને સંક્રામક છે. આ બાબતે જેણા રસી લીધી છે તે લોકોએ પણ ધ્યાન રાખવું અતિઅનિવાર્ય છે.
WHOએ કહ્યું કે જે લોકોએ વેક્સીનના બન્ને ડોઝ લઇ લીધા છે તે પણ માસ્ક પહેરવાનું ના છોડે, અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ પણ જરૂરી છે. WHOના અધિકારી મરિયાંગેલા સિમાઓએ કહ્યું કે લોકોએ બે ડોઝ લઇ લીધા હોય તેથી જ સુરક્ષિત ના અનુભવવું જોઈએ. હજુ પણ વાયરસથી પોતાને બચાવવાની જરૂર છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સિમાઓએ કહ્યું એકલી વેક્સીન કમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકી શકે નહીં. લોકોએ સતત માસ્ક પહેરવું પડશે, હવાદાર સ્થળોએ રહેવું પડશે, ભીડભાડથી બચવું પડશે અને હાથને ધોતા રહેવું પડશે. તમે વેક્સીનના બે ડોઝ લઇ લીધા હોય તો પણ આ બધુ જરૂરી છે.
મહત્વની વાત એ છે કે હજુ પણ કેટલાક ગરીબ દેશોમાં વેક્સિનની અછત છે અને તે દેશોમાં જેટલી સ્પીડમાં વેક્સિનેશન થવુ જોઈએ એટલી ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું નથી. તો આવા દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના ફેલાવવાનું જોખમ વધી શકે છે અને અન્ય દેશો માટે પણ તે મુશ્કેલી સર્જી શકે છે.