WHO એ વિશ્વની બીજી મલેરિયા વિરોધી રસીના ઉપયોગને મંજૂરી આપી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા
દિલ્હી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેલેરિયાની રસી મંજૂર કરી છે, જેનાથી વિશ્વમાં આવી અન્ય રસીઓનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થયો છે.SII એ કહ્યું કે આ મંજૂરી રસીના ‘પ્રી-ક્લિનિકલ’ અને ‘ક્લિનિકલ’ પરીક્ષણ સંબંધિત ડેટાના આધારે આપવામાં આવી છે અને ટ્રાયલ દરમિયાન આ રસી ચાર દેશોમાં ઘણી અસરકારક સાબિત થઈ છે. SII એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાળકોને મેલેરિયાથી બચાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની મંજૂરી મેળવનારી તે વિશ્વની બીજી રસી બની છે.
WHO એ R21/Matrix-M નામની આ મેલેરિયા રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, જેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને SII દ્વારા ‘નોવાવેક્સ’ની સહાયક તકનીકનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુણે સ્થિત SAII ને રસી બનાવવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે અને કંપનીએ પહેલાથી જ વાર્ષિક 10 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે જે આગામી બે વર્ષમાં બમણી કરવામાં આવશે.
SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું, ‘ઘણા લાંબા સમયથી મેલેરિયા રોગ વિશ્વભરના અબજો લોકોના જીવનને જોખમમાં મૂકે છે.’તેમણે કહ્યું કે આ કારણે જ રસીની મંજૂરી મેલેરિયા સામે લડવામાં સીમાચિહ્નરૂપ છે.SII એ કહ્યું કે WHO ની મંજૂરી મેળવ્યા પછી, વધારાની નિયમનકારી મંજૂરી ટૂંક સમયમાં અપેક્ષિત છે અને R21/Matrix-M રસીનો ઉપયોગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે.હાલમાં આ રસીનો ઉપયોગ ઘાના, નાઈજીરીયા અને બુર્કિના ફાસોમાં થઈ રહ્યો છે.