Site icon Revoi.in

ઓનલાઈન ગેમિંગ ઉપર 28 ટકા જીએસટીનો સૌથી વધારે ફાયદો કોને ?

Social Share

ઓનલાઈન ગેમિંગ ઉપર કેન્દ્ર સરકારે 28 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો છે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો વિરોધ કરી રહ્યાં છે. આ નિર્ણયથી સરકારને દર વર્ષે 20000 કરોડની આવક થશે ચર્ચા વહેતી થઈ છે. બીજી તરફ ઓનલાઈન ગેમિંગ એપ્સના સંચાલકો 10 હજાર કરોડના નુકસાનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે, ત્યારે સરકારના આ નિર્ણથી કોને ફાયદો થશે અને કોને નુકશાન થશે તેને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ સરકારના આ નિર્ણયનો સૌથી વધારે ફાયદો દેશની જનતાને થવાનો આશા છે. દેશમાં એક અંદાજ અનુસાર લગભગ 45 કરોડ લોકો ઓનલાઈન ગેમિંગના રવાડે ચડ્યાં છે. જેથી તેમના પરિવારજનો પણ પોતાના સ્વજનની આ આદતથી ચિંતિત છે. પરંતુ 28 ટકા જીએસટીને કારણે ઓનલાઈન ગેમિંગ રમનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે, એટલું જ નહીં જીએસટીની આવકથી કેન્દ્ર સરકાર વિકાસ કાર્યો પાછળ વપરાશે. આમ સરકારના આ નિર્ણયથી સૌથી વધારે ફાયદો દેશની જનતાને જ થશે.

ઓનલાઈન ગેમ્સ મનોરંજનના નામે જુગાર રમાડવાનો જુગાડ ?

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ગેમિંગનું ચલણ વધ્યું છે, એટલું જ નહીં વિવિધ ગેમ્સ પણ લોકોને આકર્ષવા માટે વિવિધ નુસખા અજમાવી રહ્યાં છે. બીજી તરફ ગેમિંગ એપ્સના સંચાલકો મનોરંજનના નામે સામાન્ય ટેક્સ ભરીને વર્ષે દહાડે કરોડની રકમ ઘર ભેગી કરે છે. જો કોઈ વ્યકિત ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર 100 રૃપિયાનો સટ્ટો લગાવતો, તો ટેકસની કિંમત લગભગ 1.8 રૃપિયા એટલે કે 1.8% હતી, ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગનું ટર્નઓવર વર્ષ 2022ના અંત સુધીમાં અંદાજે 13500 કરોડ રૃપિયાનું હતું, જે વર્ષ 2023ના અંત સુધીમાં 16700 કરોડ રૃપિયા અને વર્ષ 2025ના અંત સુધીમાં 23100 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

વૈશ્વિક ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ભારતનો હિસ્સો લગભગ 0.7 ટકા છે, જે લગભગ નજીવો છે. ભારતીય ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગનો વૃદ્ઘિ દર વૈશ્વિક ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગની તુલનામાં અઢી ગણો છે. વૈશ્વિક ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ 13 ટકાએ વૃદ્ઘિ કરી રહ્યો છે તો ભારતમાં આ ઉદ્યોગ 32 ટકાએ વૃદ્ઘિ કરી રહ્યો છે. ઓનલાઈન ગેમિંગની દુનિયામાં એકલા ભારતમાં વર્ષ 2022 સુધીમાં લગભગ 42 કરોડ લોકો ઓનલાઈન ગેમિંગ સાથે સંકળાયેલા હતા, જેમની સંખ્યા 2023માં 45 કરોડે પહોંચ્યાનું અનુમાન છે અને વર્ષ 2025માં આ ઓનલાઈન ગેમિંગનાં ખેલીઓનો આંકડો 50 કરોડ સુધી આંબશે એવું એક અનુમાન છે.

ઓનલાઈન સટ્ટાબેટીંગને પ્રોત્સાહન આપતી જાહેરાતો મુદ્દે કેન્દ્ર સરકારની તાકીદ

કેન્દ્ર સરકારે એક કાંકરે બે પક્ષી માર્યા હોવાનું જાણકારો માની રહ્યાં છે, કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને મનોરંજનના નામે યુવાધનને મોબાઈલ એપ્સ સંચાલકો ઓનલાઈન ગેમિંગના રવાડે  ચડાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી સરકાર દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સામે TAX નો ગાળિયો કસ્યો છે. જેથી પહેલા માત્ર 1.8 ટકા ટેકસ ચુકવતી ઓનલાઈન ગમિંગ કંપનીઓને 28 ટકા ટેક્સ ચુકવવો પડશે, એટલું જ નહીં આવક અને જાવકના તમામ દસ્તાવેજ ક્લીયર રાખવા પડશે. જેથી સરકારની તિજોરી છલકાશે, એટલું જ નહીં ટેક્સથી થનારી કરોડોની રકમ દેશની જનતાના આરોગ્ય તથા અન્ય સેવાઓ પાછળ ખર્ચવામાં આવશે. જેથી તેનો સીધો ફાયદો જનતાને જ થવાનો છે.

એક અંદાજ અનુસાર હાલ દેશમાં 43 કરોડ વ્યક્તિઓ ઓનલાઈન ગેમિંગ રમે છે, હવે સટ્ટો અને ગેમ્સ રમવા માટે ટેક્સની મોટી રકમ ચુકવવાની હોવાથી ગેમ્સ રમાનારની સંખ્યામાં ઘટાડો થવાની શકયતા છે. એટલું જ નહીં ઓનલાઈન ગેમિંગની દુનિયામાંથી બહાર નીકળીને યુવાનો અન્ય કામધંધે લાગશે. જેથી તેમના પરિવારજનોને પણ આર્થિક રાહત થશે. આમ ફાયદો સામાન્ય જનતાને જ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સરકારના નિર્ણયને પગલે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ હવે શું કરશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.