Site icon Revoi.in

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોમાં ભાજપ કોના પર કળશ ઢોળશે, બુધવાર સુધીમાં જાહેરાત કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી આગામી તા. 27મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. કેન્દ્રિય ચૂંટણી પંચે આ અંગેનું નોટિફિકેશન પણ જારી કરી દીધુ છે. 15મી ફેબ્રુઆરી નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો છે. એટલે પુરતી સ્ટ્રેન્થ હોવાથી તમામ બેઠકો પર ભાજપનો વિજય નિશ્વિત છે. ભાજપ દ્વારા 14મી સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કોને પસંદ કરાશે તેની અટકળો ચાલી રહી છે.  અમિત શાહ સોમવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચારેય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચાર બેઠકોમાંના ભાજપ ઉમેદવારો જાહેર કરશે જેમાં એક મહિલાને સ્થાન મળે તેવી શક્યતા છે.જ્યારે એક ઉમેદવાર રાજ્ય બહારથી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભા ઉમેદવાર તરીકે અન્ય બે નવા ચહેરાની જાહેરાત થઈ શકે છે. મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી લડવાની ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ આગામી સમયમાં ભાજપ કોણે ટિકીટ આપે છે તે અંગે હાલતો અટકળો ચાલી રહી છે. ભાજપ ચારેય બેઠકો બિનહરીફ જીતશે. હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે. વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે એક બેઠક પર જીત થાય છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપ 14 ફેબ્રુઆરીએ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તે નિશ્વિત છે. આ ચારેય બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે અત્યારથી રાજકીય અટકળો શરૂ થઇ છે. ભાજપને ચાર બેઠક માટે 148 મત જોઇએ, 156 મત અકબંધ છે. રાજ્યની સભાની આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે 37 મત જોઇએ. ચાર બેઠકો જીતવા માટે ભાજપને 148 મતોની જરૂર છે. ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તે જોતાં ચારેય બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે. કોંગ્રેસને એક બેઠક માટે પણ 22 મતો ખુટે છે. આ જોતાં કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર પણ ઉભા નહી રાખે તેવી સ્થિતી સર્જાઇ છે. આમ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પુરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.