મીત્રો આજે લોકસભાનાં સ્પિકરની ચુંટણી યોજાઈ ત્યારે એક શબ્દ આપે સાંભળ્યો હશે કે NDA દ્વારા તેના તમામ સાંસદો ને વ્હિપ જારી કરવામાં આવ્યો હતો કે તમામ સાંસદો સદનમાં સવારે10.30 કલાકે હાજર રહે. તો બીજી બાજુ કૉંગ્રેસે પણ તેના તમામ સાંસદ હાજર રહે તે માટે વ્હીપ જારી કર્યો છે. ત્યારે આવો સમજીએ કે વ્હીપ શું હોય છે?
વ્હીપ જે તે રાજકીય પક્ષનો અધિકારી હોય છે, જેનું કામ લોકસભા કે વિધાનસભામાં પક્ષની શિસ્તની ખાતરી કરવાનું હોય છે. તેને સચેતક પણ કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે સંસ્થામાં આ વ્યક્તિએ ખાતરી કરવી પડશે કે પક્ષના સભ્યો તેમની વ્યક્તિગત વિચારધારા અથવા તેમની પોતાની ઇચ્છાને બદલે પક્ષ દ્વારા નક્કી કરાયેલા નિયમો અથવા નિર્ણયોનું પાલન કરે. જેમ કે ઘણી વાર ફ્લોર ટેસ્ટ થતો હોય છે. ત્યારે પક્ષ તેના તમામ સભ્યોને વ્હીપ દ્વારા એક કરે છે અને તેમને લોકસભા કે વિધાનસભામાં હાજર રહેવાનો આદેશ આપે છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પક્ષ તેના સભ્યો માટે આદેશ જાહેર કરે છે, ત્યારે તે પક્ષના સભ્યોએ તેનું પાલન કરવાનું હોય છે અને દરેક પક્ષે તે કરવાનું હોય છે. તેને વ્હીપ કહેવામાં આવે છે, જે પાર્ટીના એક આદેશ જેવું હોય છે. જો પક્ષનોસભ્ય વ્હીપનું પાલન ન કરે અથવા પક્ષના આદેશનું પાલન ન કરે તો પક્ષ તેના બંધારણ મુજબ તે વ્યક્તિ સામે કાર્યવાહી કરી શકે છે. હવે વાત આવે છે કે સભ્ય ઉલ્લંઘન કરે તો શું થાય. વ્હીપના ઉલ્લંઘન માટે પક્ષના સ્તરે પગલાં લઈ શકાય છે, પરંતુ પક્ષપલટા વિરોધી કાયદાના ભંગ બદલ પગલાં લઈ શકાય નહીં. વ્હીપનું ઉલ્લંઘન કરવાથી પાર્ટીમાંથી હાંકી કાઢવાનો કે પછીની વખતે ટિકિટ ન આપવાનો નિર્ણય થઈ શકે છે. આવી સ્થિતિમાં સાંસદ અથવા ધારાસભ્ય વિધાનસભાના સભ્ય તરીકે ચાલુ રહેશે.
- શું કોઈ લોકશાહી ચૂંટણીમાં અલગ વ્યવસ્થા હોય છે?
તમે ઘણી વખત જોયું હશે કે રાજ્યસભાની ચૂંટણી સમયે પણ પાર્ટી દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવે છે. જો કે, ચૂંટણી આચાર નિયમો, 1961ની કલમ 39A(a) મુજબ, આ ચૂંટણીઓમાં વ્હીપ સંપૂર્ણપણે લાગુ પડતો નથી. તે વિધાનસભા સત્રની અંદર અમલમાં આવે છે, પરંતુ તેમાં કોઈને મતદાન કરવા દબાણ કરી શકાય નહીં.
- વ્હીપના ઘણા પ્રકારો છે
વ્હીપના પણ ઘણા પ્રકાર છે. ઉદાહરણ તરીકે વન લાઈનના વ્હીપમાં સભ્યોને મત આપવા માટે માહિતી આપવામાં આવે છે. આ સ્થિતિમાં પાર્ટીના સભ્યો પોતાનો નિર્ણય લઈ શકે છે. જ્યારે એક વ્હીપ હોય છે, જેને ટૂ-લાઈન વ્હીપ કહેવામાં આવે છે. ટૂ લાઈન વ્હીપમાં સભ્યોને નિર્દેશ આપવામાં આવે છે કે, તેઓ મતદાન સમયે ગૃહમાં હાજર રહે અને આમાં મતદાન માટે ખાસ નિર્દેશ જાહેર કરવામાં આવે છે. થ્રી લાઈન વ્હીપમાં સભ્યોને પાર્ટી લાઈન મુજબ મતદાન કરવાનું કહેવામાં આવે છે. તેને સૌથી સખ્ત વ્હીપ માનવામાં આવે છે.
(Photo-File)