Site icon Revoi.in

WHO એ ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપને બતાવી દૂષિત,તાત્કાલિક પગલાં લેવાની કરી ભલામણ

Social Share

દિલ્હી : ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપ તેની ગુણવત્તા પર સવાલો ઉભા કરી રહ્યા છે. મેડિકલ એલર્ટ જારી કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતમાં ઉત્પાદિત કફ સિરપને દૂષિત ગણાવ્યું છે. WHOએ કહ્યું છે કે માર્શલ આઇલેન્ડ અને માઇક્રોનેશિયામાં ભારતીય કંપનીની કફ સિરપ દૂષિત મળી આવી છે.

જો કે, આ મેડિકલ એલર્ટમાં WHOએ એ નથી જણાવ્યું કે ભારતમાં બનેલા કફ સિરપને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ. પરંતુ, WHO માને છે કે Guaifenesin Syrup TG Syrup, Diethylene Glycol અને Ethylene Glycol ટ્રેસ માત્રામાં મળી આવ્યા છે. તેના ઉપયોગથી મનુષ્યના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ રસાયણોની ઓળખ કરવામાં આવી હતી. 6 એપ્રિલે આ માહિતી WHOને આપવામાં આવી હતી.

જોકે, WHOના આ એલર્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે WHOનો ઈમેલ મળ્યા બાદ હરિયાણા અને પંજાબ સરકારોને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.

WHOએ માહિતી આપી છે કે પંજાબની QP ફાર્માકેમ લિમિટેડ કંપની આ કફ સિરપ બનાવે છે. કંપનીએ અન્ય દેશોમાં વિતરણ માટે હરિયાણા સ્થિત ટ્રિલિયમ ફાર્મા નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ મામલે આ બંને કંપનીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. WHOએ તમામ સભ્ય દેશોને આ કફ સિરપનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. WHOનું કહેવું છે કે આ બંને કંપનીઓએ WHOને કફ સિરપની સુરક્ષા અને ગુણવત્તા અંગે કોઈ ગેરેંટી આપી નથી.