Site icon Revoi.in

રામમંદિર આંદોલન:બાબરી ધ્વસ્ત થતા ડાન્સ કરનારા સાધ્વીની કહાની, માતાએ થપ્પડ માર્યા બાદ છોડી દીધું હતું ઘર

Social Share

નવી દિલ્હી: અયોધ્યાના રામમંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રામમંદિરનું કામકાજ જોઈ રહેલા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યુ છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે. ત્યારે રામમંદિર આંદોલનના ઈતિહાસ અને તેમના નેતાઓની ચર્ચા છે.

1990ના દશકમાં રામજન્મભૂમિ આંદોલનનો ઈતિહાસ એ મહિલા નેતાઓ વગર અધુરો છે, જે પોતાના આકરા ભાષણો દ્વારા પ્રભાવી નેતા બનીને ઉભર્યા હતા. સાધ્વી ઋતંભરા પણ આવા જ એક નેતા છે. એક સમય પર તેઓ આંદોલનના મુખ્ય ચહેરામાંથી એક બની ગયા હતા.

માનવામાં આવે છે કે સાધ્વી ઋતંભરા જેવા મહિલા નેતાઓના કારણે જ આંદોલન સાથે મોટી સંખ્યામાં હિંદુ મહિલાઓ જોડાય હતી. અનુમાન લગાવવામાં આવે છે કે 50 હજારથી વધારે હિંદુ મહિલાઓ કારસેવામાં સામેલ થઈ હતી.

માતાએ થપ્પડ મારતા ઘર છોડયું-

સાધ્વી ઋતંભરા પોતાના ભાષણોમાં હિંદુઓના જાતિ ભેદભાવને ભૂલીને એક થવાનું આહવાન કરી રહ્યા છે. આવું તેઓ માત્ર કોઈ ધાર્મિક અથવા રાજકીય એજન્ડાને કારણે કહેતા નથી. પરંતુ આ તેમના જીવનની પણ સચ્ચાઈ રહી છે. સાધ્વી ઋતંભરાનો જન્મ પંજાબના મંડી દૌરાહા ગામ (લુધિયાણા)ના એક ગરીબ પરિવારમાં થયો હતો. બીબીસીના એક સ્પેશયલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાધ્વી ઋતંભરાના પરિવારનો સંબંધ કથિતપણે નીચી ગણાતી જાતિ સાથે છે.

ઈન્ડિયા ટુડે મેગેઝીનના 31 મે, 1995ના અંકમાં ઋતંભરાપર એક સ્ટોરી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલા તેમનું નામ નિશા હતું. કિશોરી નિશાને તેમના માતાએ થપ્પડ મારી દીધી હતી. માતાના મારથી ગુસ્સે ભરાયેલા નિશાએ પોતાની બેગ પેક કરી અને મધ્યમવર્ગીય હલવાઈ પરિવારને છોડી દીધો હતો.

ઘર છોડયા બાદ ઋતંભરા હરિદ્વાર ચાલ્યા ગયા હતા. મનોવિશ્લેષક સુધીર કક્કડે પોતાના પુસ્તક ધ કલર્સ ઓફ વાયલન્સમાં ઋતંભરાના ઘર છોડવા બાબતે લખ્યું છે. કક્કડ મુજબ, ઋતંભરા 16 વર્ષની વયે જ હિંદુ પુનરોત્થાન માટે કામ કરી રહેલા સ્વામી પરમાનંદના પ્રભાવમાં આવી ગયા હતા. તેમણે પરમાનંદના પ્રવચન સાંભલીને એક આત્મિક અનુભૂતિ કરી હતી. ઘર છોડયા બાદ ઋતંભરા હરિદ્વાર ખાતે સ્વામી પરમાનંદના આશ્રમમાં જ રહ્યા અને તેમના શિષ્યા બન્યા. સ્વામી પરમાનંદ સાથે ભારત ભ્રમણ દરમિયાન તેમણે ભાષણ આપવાનું કૌશલ પ્રાપ્ત કર્યું.

તીખા ભાષણ કરવામાં નિપુણ ઋતંભરા વિશ્વ હિંદુ પરિષદમાં સક્રિય થયા. વીએચપીએ તેમને મંદિર આંદોલન દરમિયાન પોતાના મુખ્ય પ્રવક્તા બનાવી દીધા હતા.

સાધ્વી ઋતંભરાના ભાષણોની ઓડિયો ટેપ ખૂબ વેચાતી હતી-

મંદિર આંદોલન દરમિયાન જે એક અવાજને સૌથી વધુ સાંભળવામાં આવ્યો, તે સાધ્વી ઋતંભરાનો અવાજ હતો. ગલી-નુક્કડથી લઈને મંદિરો અને ભાજપની સભાઓમાં પણ ઋતંભરાના ભાષણોને ભીડમાં ઉત્તેજના ભરવા માટે સંભળાવવામાં આવતું હતું. એક સમય તો એવો આવી ગયો હતો જ્યારે ઋતંભરાના ભડકાઉ સંદેશવાળા ભાષણોની ઓડિયો ટેપ બનાવીને એક-એક રૂપિયામાં વેચવામાં આવતી હતી.

ઈતિહાસકાર તનિકા સરકારે હિંદુ વાઈફ, હિંદુ નેશન નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે એક સમય એવો પણ હતો કે જ્યારે અયોધ્યાના મંદિરોમાં પૂજારી દરરોજના પૂજાપાઠ છોડીને ઋતંભરાના ભાષણોની ઓડિયો કેસેટ ચલાવવા લાગ્યા હતા.

લેખક ક્રિસ્ટોફ જાફરલૉટે પોતાના પુસ્તક ધ હિંદુ નેશનાલિસ્ટ મૂવમેન્ટ એન્ડ ઈન્ડિયન પોલિટિક્સ (1925 ટુ ધ 1990)માં લખ્યુ છે કે તે સમયે વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સદસ્ય ઋતંભરાને સૌથી વધુ આક્રમક માનવામાં આવતા હતા અને તેમના ભાષણોની ટેપ એ લોકોમાંથી હતી, જેના પર સૌથી વધુ ધ્યાન ખેંચાયું હતું.

જાન્યુઆરી, 1991માં ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 25 વર્ષીય સાધ્વી ઋતંભરા પર દિલ્હી પોલીસે ભડકાઉ ભાષણ કરવાનો ચાર્જ લગાવ્યો છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું કે અયોધ્યા મુદ્દા પર તેમની ભડકાઉ નિવેદનબાજીવાળી ઓડિયો કેસેટને દિલ્હી પોલીસ પહેલા જ પ્રતિબંધિત કરી ચુકી છે. હવે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ-153-એ હેઠળ એક ફોજદાર કેસ નોંધવામાં આવ્યો છે.

બાબરી ધ્વંસવાળો દિવસ-

6 ડિસેમ્બર, 1992ના રોજ ભાજપના લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહીતના ઘણાં નેતાઓ વીએચપી અને બજરંગદળના નેતાઓ તથા સાધુઓ સાથે એક મંચ પર બેઠા હતા. આ મંચ બાબરી મસ્જિદથી 150થી 200 મીટરના અંતરે હતો. આ પંચ પર ઋતંભરા પણ હતા. કારસેવકોએ જ્યારે બાબરી પર હુમલો કર્યો, તો અડવાણી અને જોશી સહીતના નેતાઓ તેમને રોકવા માટે મંચ પરથી અવાજ લગાવી રહ્યા હતા.

પરંતુ સાધ્વી ઋતંભરા આમા સામેલ ન હતા. એક વરિષ્ઠ પત્રકાર હેમંત શર્માએ પોતાના પુસ્તક યુદ્ધ મેં અયોધ્યામાં તે દિવસનો આંખો દેખ્યો અહેવાલ લખ્યો છે. પુસ્તક મુજબ, સાધ્વી ઋતંભરા કારસેવકોને સંબોધિત કરતા કહી રહ્યા હતા કે તે આ શુભ અને પવિત્ર કામમાં સંપૂર્ણપણે લાગે.

વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષે ટલ બિહારી વાજપેયીના જીવનચરિત્રમાં પણ 6 ડિસેમ્બરનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તક મુજબ, કારસેવકોએ જ્યારે બાબરીના કેટલાક ભાગને તોડી પાડયો ત્યારે ભગવા વસ્ત્રમાં સજજ સાધ્વી ઋતંભરા રામકથા કુંજમાં ગીત ગાવા માંડયા અને નૃત્ય કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમની આંખો અડધી બંધ અને હોઠો પર સ્મિત દેખાય રહ્યું હતં. તેઓ સતત કહી રહ્યા હતા કે એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો.

મહત્વપૂર્ણ છે કે બાબરી કાંડની તપાસ માટે ભારત સરકારે લિબ્રહાન પંચની રચના કરી હતી. આ પંચે 68 લોકોની એક યાદી તૈયાર કરી હતી. આ યાદીમાં સામેલ લોકો માટે પંચે કહ્યુ હતુ કે આ દેશને કોમવાદી તણાવની અણિએ લઈ જવા માટે વ્યક્તિગત રીતે દોષિત છે. આ યાદીમાં સાધ્વી ઋતંભરાનું નામ પણ સામેલ હતું. જસ્ટિસ એમ. એસ. લિબ્રહાને લગભગ 17 વર્ષોની તપાસ બાદ જૂન-2009માં સરકારને રિપોર્ટની સોંપણી કરી હતી.

જો કે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ ઋતંભરા અને મામલાના અન્ય તમામ 31 આરોપીઓને લખનૌની એક વિશેષ સીબીઆઈ કોર્ટે બરી કર્યા હતા.