Site icon Revoi.in

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરકાયદે બાંધકામ, જવાબદારી કોની? હાઈકોર્ટે માંગ્યો જવાબ

Social Share

અમદાવાદઃ અમદાવાદ સહિત મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક કોલોનીઓ અને વસાહતો આવેલી છે. હાઉસિંગ બોર્ડના મકાનોમાં આજુબાજુની જગ્યાઓ ખૂલ્લી હોવાથી રહિશોએ મોટા પ્રમાણમાં દબાણો કરી લીધા છે. તે માટે ફરિયાદો પણ ઊઠી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની બે હજાર જેટલી વસાહતોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મામલે થયેલી અરજીમાં જસ્ટિસ એ.વાય.કોગ્જેની કોર્ટે અમદાવાદ મ્યુનિ. અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે નારાજગી વ્યક્ત કરીને સવાલ પૂછ્યો હતો કે, ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કોણ જવાબદાર છે ?  અને વારંવાર એકબીજાને ખો-ખો કેમ અપાય છે? જો તમે બંને વિભાગો જવાબદારી લેવા તૈયાર ન થતા હોય તો હાઇકોર્ટ નિર્ણય લઇને કામ કરાવશે. દરેક વખતે કામ કરવાથી કેમ હાથ ખંખેરી લો છો?

ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ કરેલી અરજીમાં એડવોકેટ જય શાહે એવી દલીલ કરી હતી કે, ઘણા લાંબા સમયથી હાઉસિંગ બોર્ડની બે હજાર જેટલી ગેરકાયદે બાંધકામ ધરાવતી ઇમારતો તોડી પાડવા રજૂઆત કરી છે. પરંતુ બોર્ડ અને કોર્પોરેશન એકબીજા પર જવાબદારી ઢોળી દે છે. બેમાંથી કોઇ ઓથોરિટી ગેરકાયદે બાંધકામને તોડતા નથી. કેટલીક વસાહતોમાં ગેરકાયદે પશુપાલન થાય છે. તો કેટલીક વસાહતોમાં મંદિરો અને ઓફિસો બન્યા છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 7 વર્ષથી આ અરજી કોર્ટમાં માત્ર તમારા જેવી ઓથોરિટીને લીધે પડતર છે તેનો નિકાલ હવે કરવો જ પડે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વકીલે એવી દલીલ કરી હતી કે, આ બાંધકામ નવા નથી પરતું જૂના છે. આ દલીલ સાંભળીને કોર્ટે આકરી ટીકા કરતા ટકોર કરી હતી કે, તમારે જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવા હોય તો અમે હુકમ કરીશું અને કોણ જવાબદાર છે તેનો નિર્ણય કોર્ટ કરશે. કોર્ટનો મિજાજ પારખી ગયેલા મ્યુનિ. કોર્પોરેશનના એડવોકેટે જવાબ રજૂ કરવા 14મી સુધીનો સમય માગ્યો હતો. હાઇકોર્ટે છેલ્લી મુદત આપીને વધુ સુનાવણી 15મીએ હાથ ધરવાનો નિર્ણ લીધો હતો.