Site icon Revoi.in

સુરતમાં તાપીના કિનારે અસંખ્ય માછલીઓના મોત અંગે જવાબદાર કોણ?

Social Share

સુરતઃ શહેરમાં અબ્રામા વિસ્તાર ખાતે તાપી નદીના કિનારે વહેલી સવારે મોર્નિંગ વોક ઉપર જતા લોકોની નજર મૃત માછલીઓ પર પડી હતી. 8 કિલોમીટરથી વધુ વિસ્તારમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં પડેલી જોવા મળી હતી. જેને લઇને લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. તાપી નદીના જીવો આટલી મોટી સંખ્યામાં મૃત સ્થિતિમાં જોવા મળતા અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તાપી નદીમાં અસંખ્ય માછલીઓના મોત અંગે સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ગાયપગલા વિસ્તારની આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી કેમિકલ તાપી નદીમાં ઠાલવવામાં આવતું હોવાને લીધે આ સ્થિતિ ઊભી થઈ છે. તાપી નદીના કિનારે માછલીઓ મૃત સ્થિતિમાં મળી છે ત્યાં ગ્રીન કલરનું કેમિકલ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. કેમિકલ પાણીમાં ભળી જવાને કારણે અસંખ્ય તાપી નદીના જીવો મોતને ભેટ્યા હોવાની આશંકા છે. મોર્નિંગ વોક કરવા જતા એક સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે ઘટનાની જાણ થયા બાદ તેમણે કોર્પોરેશનને ઓનલાઈન ફરિયાદ કરી હતી, તેમજ અધિકારીઓને ફોન કરવામાં આવ્યો હતો મ્યુનિના અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું કે આ અમારામાં નથી આવતું. ત્યારબાદ ફાયર વિભાગને ફોન કરીને ઘટનાની જાણ કરવામાં આવી તો તેમણે પણ આ જ પ્રકારનો જવાબ આપી દીધો કે આ અમારામાં નથી આવતું. સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશનના અધિકારીઓ પોતે વિઝિટ કરવા ન આવતા હોય તો આ ફરિયાદ અમારે ક્યાં આગળ કરવી?. એના માટેનું પણ આ લોકો માર્ગદર્શન આપવા તૈયાર થતા નથી અને ફોન મૂકી દે છે. અમે પૂછે છે કે આ અંગે કોને ફરિયાદ કરીએ તો કોર્પોરેશનના અધિકારી પણ કહેવા તૈયાર થતા નથી અને પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે.

સુરતના ડેપ્યુટી આરોગ્ય કમિશનરે જણાવ્યું કે અમારા ધ્યાન પર આવ્યું છે કે અબ્રામા વિસ્તારની અંદર તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં પડેલી છે. સ્થાનિક લોકો દ્વારા અમને ફરિયાદ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની એક ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. અમારી ટીમ સમગ્ર ઘટના અંગેની તપાસ કરશે અને માછલીઓના મૃત્યુ પાછળના કયા કારણો જવાબદાર છે તે અંગે પણ અમે તપાસ કરીશું.