Site icon Revoi.in

કોણ છે પ્રજ્વલ રેવન્ના જેના પર પાર્ટીની કાર્યકર મહિલાઓથી લઇ ઉચ્ચ મહિલા અધિકારીઓના જાતીય શોષણનો છે આરોપ ?

Social Share

પ્રજ્વલ રેવન્ના દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાના પૌત્ર છે. હાસન સીટના વર્તમાન સાંસદ છે. રેવન્નાના પિતા એચડી રેવન્ના કર્ણાટકના પૂર્વ મંત્રી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પ્રજ્વલ રેવન્નાના કાકા છે. રેવન્ના 2019માં પહેલીવાર હાસન સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં રેવન્નાને ફરી એકવાર હાસનથી એનડીએના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

રેવન્ના ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમના લગભગ 3000 વાંધાજનક વીડિયો સામે આવ્યા. આ વીડિયોમાં રેવન્ના મહિલાઓનું યૌન ઉત્પીડન કરતા જોવા મળે છે.. હાસન સાંસદના યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓમાં પાર્ટીના કાર્યકરોથી લઈને ઉચ્ચ હોદ્દા પર બેઠેલી મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ રેવન્નાની નિર્દયતાનો ભોગ બનેલી ઘણી મહિલાઓ આગળ આવી અને તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

પ્રજ્વલ રેવન્ના સામે IPC કલમ 354A હેઠળ જાતીય સતામણી, 354D હેઠળ પીછો કરવા, 506 હેઠળ ફોજદારી ધમકી અને 509 હેઠળ મહિલાની નમ્રતાનું અપમાન કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. રેવન્નાને ઓછામાં ઓછા એક સપ્તાહના રિમાન્ડ પર એસઆઈટીને સોંપવામાં આવે તેવી શક્યતા છે. કસ્ટડી મળ્યા બાદ SIT વીડિયો કાંડમાં રેવન્નાની પૂછપરછ કરશે અને અન્ય આરોપીઓના નામ મેળવવાનો પ્રયાસ કરશે.