Site icon Revoi.in

ભાવનગરના જવાહર મેદાનની માલિકી કોની, સરકારી વિભાગોમાં મતભેદો, લાખોની લોખંડની ગ્રીલ ગાયબ

Social Share

ભાવનગરઃ શહેરની મધ્યમાં જવાહર મેદાન આવેલું છે. જે ગધેડિયા ફિલ્ડ તરીકે પણ ઓળખાય છે. આ વિશાળ ગ્રાઉન્ડ પર લોકસભા કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિશાળ સભાઓ યોજાતી હોય છે. તેમજ શહેરના મોટા ઈવેન્ટ પણ આ સ્થળે યોજવામાં આવતા હોય છે. પરંતુ સવા બે લાખ સ્કવેર મીટરમાં પથરાયેલા જવાહર મેદાનની માલિકી કોની તે અગે સરકારી વિભાગો જ નક્કી કરી શકતા નથી. કલેકટર કચેરીનું તંત્ર મ્યુનિ પર જવાબદારી ઢોળી રહ્યું છે. જ્યારે મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર કલેકટર કચેરી અને સંરક્ષણ વિભાગની માલિકી હોવાનું કહીનું કહી રહ્યુ છે. બીજીબાજુ કોઈ રણીધણી ન હોવાને કારણે વિશાળ મેદાન પર બેરોકટોક દબાણો થઈ રહ્યા છે. 18 વર્ષ પૂર્વે જવાહર મેદાન ફરતે નાખેલી લોખંડની ગ્રીલનો એક સારો સળીયો પણ રહ્યો નથી. લાખોના ખર્ચે નાખેલી ગ્રીલ તંત્રની બેદરકારીને કારણે ચોરાઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના જવાહર મેદાન વર્ષોથી જુદા જુદા તંત્રો વચ્ચે વિવાદમાં સપડાયેલું રહ્યું છે. અઢાર ઓગણીસ વર્ષ પૂર્વે તત્કાલીન કલેક્ટરે જવાહર મેદાનની અંદરના દબાણો હટાવી મેદાન ફરતે લોખંડની ગ્રીલ પણ નખાવી હતી. જેને કારણે મેદાનની જાળવણી થતી હતી અને  મેદાન સુરક્ષિત  બન્યુ હતું. પરંતુ મેદાનમાં યોજાતા રાજકીય અને સામાજિક કાર્યક્રમને કારણે દરવાજા અને રસ્તા બનાવવા માટે લોખંડની ગ્રીલો તોડી નાખવામાં આવી હતી. તેમજ તખ્તેશ્વર પોલીસ ચોકી નવાપરા રોડ પર જોગર્સ પાર્ક બનાવતા તે ગ્રીલો પણ ગુમ થઈ ગઈ હતી. શહેરની રબર ફેક્ટરીથી ગુરુદ્વારા વાળા રસ્તા પર તો એક પણ સળીયો રહ્યો નથી. ત્યાં ખાણીપીણી વાળાએ પડદા નાખી દીધા છે. જ્યારે રિલાયન્સ મોલની સામે ગોળીબાર હનુમાન મંદિર વાળા રસ્તા પર તો સ્પષ્ટ રીતે ગ્રીલને તોડીને ચોરી ગયાનું દેખાઈ આવે છે. જવાહર મેદાનની જાળવણી માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ગ્રીલ હાલમાં જોવા મળતી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગરનું જવાહર મેદાન સંરક્ષણ વિભાગ હસ્તક હોવાના કારણે મ્યુનિ. દ્વારા વર્ષ 2013થી આકારણી કરી સંરક્ષણ મંત્રાલયમાં અનેકવાર પત્ર વ્યવહાર કર્યો છે. પરંતુ આજે પણ જવાહર મેદાન નો 56 કરોડનો મિલકત વેરો બાકી છે. ઉપરાંત જવાહર મેદાનની જાળવણી માટે  મ્યુનિ. કોર્પોરેશન અને કલેકટર કચેરી વચ્ચે જવાબદારીનો ખો અપાઈ રહ્યો  છે. સરકાર દ્વારા બંને તંત્રોને કેરટેકર અને ફાળવણીની ફરજ સોંપવામાં આવી છે. જવાબદારીની વહેંચણીને કારણે જવાહર મેદાનના હાલ બેહાલ થઈ ગયા છે. બંને તંત્રો સરકારે સોંપેલી જવાબદારીમાં નિષ્ફળ નિવડ્યા છે. હાલમાં મેદાનમાં પુનઃ ઝુપડપટ્ટીઓ ખડકાઈ ગઈ છે. લોકો કચરો અને ખરાબો મેદાનમાં ઠાલવી રહ્યા  છે. લોખંડની ગ્રીલો ચોરાઈ ગઈ છે. હાલમાં જવાહર મેદાન માત્ર નામનું જ બચ્યું છે.