ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે નવા મંત્રી મંડળની કવાયત હાથ ધરવામાં આવી છે. એવું કહેવાય છે કે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરશે. આવતી કાલ બુધવાર સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જશે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર કાતર ફરી જાય એવી શક્યતા છે, જ્યારે નવાં 15 નામનો ઉમેરો થઈ જશે. આમ, આખાંય મંત્રીમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના મંત્રીમંડળમાંથી પાંચ કે છ મંત્રી જ ફરી મંત્રીપદના શપથ લેશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે. ભાજપના જ વર્તુળોમાં એવી અટકલો ચાલી રહી છે કે. પ્રદિપસિંહ જાડેજાને રાજ્યકક્ષાને બદલે કેબિનેટ મંત્રી બનાવાશે. અને મહત્વનો વિભાગ સોંપવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર સિનિયર દલિત આગેવાન છે અને સીઆર પાટીલના ખૂબ નજીકના નેતા ગણાય છે. તેમને પણ કેબીનેટ મંત્રી બનાવાશે. વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ રાજ્યકક્ષાના મંત્રીમાંથી વિધાનસભા અધ્યક્ષ બન્યા હતા, પરંતુ હવે ફરીથી કેબિનેટમાં લેવાશે અને સિનિયર મંત્રી તરીકે સારો વિભાગ પણ મળી શકે છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કે નીતિન પટેલને વિધાનસભા અધ્યક્ષ બનાવાય એવી શક્યતા છે. ભાવનગરના ધારાસભ્ય જિતુ વાઘાણી અગાઉ પક્ષ-પ્રમુખ હતા, પરંતુ ત્યાર બાદ તેઓ ઘણા સમયથી હોદ્દાથી દૂર છે. યુવાન પાટીદાર ચહેરા તરીકે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. સંગઠન અને ચૂંટણીઓ જેવી બાબતમાં પણ અનુભવી છે અને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાય તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છના નિમાબેન આચાર્યનું નામ ઘણા સમયથી મંત્રી બનવાની યાદીમાં આવે છે પણ આખરે સામેલ થતું નથી. કચ્છનું પ્રતિનિધિત્વ કરતાં સવર્ણ જ્ઞાતિના આ મહિલા નેતાને હવે ચાન્સ મળી શકે છે, કારણ કે વાસણ આહીરનું નામ કપાશે એ નિશ્ચિત મનાય છે. આ ઉપરાંત દુષ્યંત પટેલ , હર્ષ સંઘવી અથવા સંગીતા પાટીલ, ઋષિકેશ પટેલ દેવા માલમ, જે.વી. કાકડિયા, વિનોદ મોરડિયા, નિમિષા સુથાર, ગોવિંદ પટેલ અથવા અરવિંદ રૈયાણીને મંત્રી મંઢલમાં સમાવાય તેવી ચર્ચા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયેલા ત્રણથી ચારને હવે મંત્રી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તેવી ચર્ચા છે.