ખૂશ્બુ ગુજરાત કી, પ્રવાસીઓને આકર્ષવા માટેની ઍડ.માં હવે બીગ-બીના સ્થાને કોને મળશે ચાન્સ
ગાંધીનગર : ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનો છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ કરાયો છે. તેના લીધે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પ્રવાસનને કારણે રોજગારીની અનેક નવી તક ઊભી થઈ છે. બોલીવુડના સુપરસ્ટાર બીગ-બી એવા અમિતાભ બચ્ચને ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેન કરીને કુછ દિન તો ગુજારો ગુજરાત મેં… આ ડાયલોગે જમાવટ કરી હતી.બચ્ચનના દમદાર અવાજને કારણે અનેક પ્રવાસીઓ ગુજરાત ખેંચાઈને આવ્યા હતા. હવે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ, વડનગર, કચ્છના ઘોળાવીરા, માંડવી બીચ સહિતના પ્રવાસન સ્થળોના એડ કેમ્પેઈન માટે ફરીવાર અમિતાભ બચ્ચનનો સંપર્ક કરાયો હતો, પરંતુ કહેવાય છે. બીગ-બી હવે ઉંમર અને નાદુરસ્ત રહેતી તબિયતને કારણે શુટિંગ માટે બહારગામનો પ્રવાસ ટાળતા હોવાથી ગુજરાત આવવાની ના પાડતા હવે ગુજરાત પ્રવાસન નિગમે બોલીવુડના અન્ય સ્ટારના નામ પસંદ કરીને આખરી નિર્ણય માટે મુખ્યમંત્રીને મોકલી આપ્યા છે. આખરી નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત પહેલા લેવામાં આવશે.
ગુજરાત પ્રવાસન નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના કચ્છના ઘોરડો સહિતના પ્રવાસન સ્થળોના કેમ્પેઈન માટે એક દાયકા પહેલાં બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. હવે ફરી લગભગ 12 વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારીઓ કરી રહી છે. આ વખતે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં..ગુજરાત પ્રવાસન વિભાગના એડ કેમ્પિંગમાં નવા હીરોની એન્ટ્રી થવાની શક્યતા છે. કહેવાય છે. કે, અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત આવીને શૂટિંગ કરવા પોતાની અસમર્થતા બતાવી છે, તેથી તેમના સ્થાને બોલીવુડના અન્ય હીરોને પસંદ કરવામાં આવશે.
પ્રવાસન નિગમના સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસન વિભાગને મુંબઈમાં આવીને શૂટિંગ કરે તો પોતે તૈયાર હોવાની વાત કરી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શૂટિંગ થાય તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલો મુખ્યમંત્રી કક્ષાએ પહોંચ્યો છે. હવે મુખ્યમંત્રી કક્ષાએ જ આ અંગે આખરી નિર્ણય લેવાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે નિર્ણય લેશે કે, એડમાં અમિતાભ બચ્ચનનો માત્ર અવાજ લેવો કે પછી કોઈ નવા હીરોને ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા તેનો નિર્ણય લેવામાં આવશે
ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લાખો પ્રવાસીઓએ લીધી છે. નવા પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. ખુશ્બુ ગુજરાત કી…ની બીજી આવૃત્તિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ જેવા સ્થળોનો સમાવેશ કરાશે આ સિવાય વડનગર, ધોળાવીરા, માંડવી અને શિવરાજપુર બીચ, ડાંગના જંગલ વગેરે સ્થળોનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.