ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ભાજપની પ્રચંડ બહુમતી હોવાથી હવે રાજયસભાની જેટલી ચૂંટણીઓ 2027 સુધી આવશે તેમાં ભાજપ જ વિજેતા બનશે. આ સ્થિતિમાં હવે ઓગષ્ટ માસમાં રાજયસભાની જે ત્રણ બેઠકો ખાલી થઇ રહી છે તેમાં વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી છ વર્ષ માટે રાજયસભામાં લઇ જવાશે તે નિશ્ચીત જણાય છે. પરંતુ બે બેઠકમાં જયારથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી ભાગ્યે જ કોઇ રાજયસભામાં રીપીટ થયું છે, તેથી બે બેઠકમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવળીયા બંને નિવૃત થઇ રહ્યા છે અને તેઓને રીપીટ કરાઇ તેવી શકયતા નથી આ બેઠકો માટે હવે કોને ચાન્સ લાગશે તે પ્રશ્ન છે. ત્યારે ભાજપના સિનિયર નેતાઓએ પોતાની પસંદગી થાય તે માટેનું લોબિંગ શરૂ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના રાજ્ય સભાના ત્રણ સાંસદોની મુદત પૂર્ણ થતા હોવાથી આગામી ઓગસ્ટમાં ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકરને રિપિટ કરવામાં આવશે. જ્યારે બાકીની બે બેઠકો પર પક્ષના સિનિયર નેતાઓમાંથી કોઈની પસંદગી કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી, નિતિન પટેલ સહિત ઘણાબધા નેતાઓને ટિકિટ આપવામાં આવી નહોતી. આથી તેમને રાજ્યસભા માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે પણ વધુ ચાર બેઠકો ખાલી થનાર છે જેમાં બે કોંગ્રેસના રાજયસભાના સાંસદો નિવૃત થશે જેમને પણ ફરી ચૂંટાવાની કોઇ શકયતા નથી આ સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પરસોતમ રૂપાલા બંનેમાંથી કોને રીપીટ કરવામાં આવે છે, તે જોવું રહ્યું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ બેમાંથી કોઇને રાજયસભામાં લઇ જવાશે કે કેમ તે પ્રશ્ન છે. વિજય રૂપાણીને હાલ પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે અને નીતિન પટેલને હાલ પક્ષનું કોઇ પદ અપાયું નથી. તે સમયે બંનેના રાજકીય ભવિષ્ય અંગે પણ ઓગષ્ટમાં ખ્યાલ આવશે.