દિલ્હીઃ- જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને હવે નીચી સપાટીએ પહોંચી માઈનસ 4.12 ટકા નોંધાયો છે. સતત ત્રીજા મહિને જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટયો છે. ખાદ્યચીજો સસ્તી થવાને કારણે WPI આઠ વર્ષની નીચામાં નીચી સપાટીએ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઓક્ટોબર 2015માં WPI માઈનસ 3.81 ટકા નોંધાયો હતો. મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો માઈનસ 3.48 ટકા નોંધાયો હતો. ગયા વર્ષે જૂન 2022માં જથ્થાબંધ ફુગાવો સૌથી વધુ 15.18 ટકા નોંધાયો હતો.
આ બાબતને લઈને મંત્રાલયે જણાવ્યું હતું કે ખનિજ તેલ, ખાદ્ય ઉત્પાદનો, મૂળભૂત ધાતુઓ, ક્રૂડ તેલ અને કુદરતી ગેસ અને કપડાંના નીચા ભાવને કારણે જથ્થાબંધ ફુગાવો જૂનમાં ઘટ્યો હતો. આ સમયગાળા દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં 1.24 ટકાનો ઘટાડો થયો છે. મે મહિનામાં તે (-) 1.59 ટકા હતો.
આ સહીત જૂન મહિનામાં ઈંધણ અને વીજળીનો ફુગાવો 12.63 ટકા ઘટયો હતો. મેન્યુફેક્ચર પ્રોડકટની મોંઘવારી મે મહિનામાં 2.97 ટકા ઘટી હતી જે જૂનમાં વધુ ઘટીને 2.71 ટકા નોંધાઈ હતી. ઈંધણ અને વીજળીની કેટેગરીમાં LPG, પેટ્રોલ અને HSDનો ફુગાવો અનુક્રમે 22.29 ટકા, 16.32 ટકા અને 18.59 ટકા રહ્યો હતો.