દિલ્હી : મોંઘવારી સામે સામાન્ય લોકોને બેવડી રાહત મળી છે. શુક્રવારે લોકોને છૂટક મોંઘવારીમાં રાહત મળી અને તે દોઢ વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગયો. સોમવારે જથ્થાબંધ મોંઘવારીનો ડેટા બહાર આવ્યો છે અને તે શૂન્યથી નીચે રહીને ત્રણ વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં 1.34 ટકાની સરખામણીએ એપ્રિલમાં માઈનસ 0.92 ટકા પર આવી ગઈ છે. સર્વેમાં 0.2 ટકાના ઘટાડાની આગાહી કરી હતી. એપ્રિલ એ સતત 11મો મહિનો છે જ્યારે જથ્થાબંધ ફુગાવો ઘટ્યો છે.
સરકારે નિવેદનમાં કહ્યું છે કે ક્રૂડ ઓઈલ, એનર્જીની કિંમતો, નોન-ફૂડ અને કન્ઝ્યુમર ગુડ્સની કિંમતોમાં ઘટાડો થવાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. પ્રાથમિક ઉત્પાદનોનો ફુગાવો માર્ચ મહિનામાં 2.40 ટકા હતો જે એપ્રિલમાં ઘટીને 1.60 ટકા થયો છે. ઇંધણ અને પાવર ફુગાવો માર્ચમાં 8.96 ટકા અને ફેબ્રુઆરીમાં 13.96 ટકાથી ઘટીને એપ્રિલમાં 0.93 ટકા થયો હતો. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ફુગાવો માર્ચમાં 0.77 ટકા અને ફેબ્રુઆરીમાં 1.94 ટકાથી ઘટીને એપ્રિલમાં 2.42 ટકા થયો હતો.
માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 29 મહિનાની નીચી સપાટી 1.34 ટકા પર આવી ગયો હતો, કારણ કે ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી હોવા છતાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ અને ઇંધણના ભાવમાં ઘટાડો થયો હતો. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 36 મહિના એટલે કે ત્રણ વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. ભારતમાં છૂટક ફુગાવો એપ્રિલમાં ઝડપથી ઘટીને 4.7 ટકા અથવા 18 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના મહિનામાં 5.7 ટકા હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એપ્રિલની મોનેટરી પોલિસીની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી, RBIએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો. જે પછી દેશમાં પોલિસી રેટ ઘટીને 6.50 ટકા થઈ ગયો. દેશમાં મોંઘવારી સહનશીલતા સ્તરનું લક્ષ્ય 2 થી 6 ટકા છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો સહનશીલતા સ્તરના ઉપલા બેન્ડથી નીચે રહ્યો હતો.