Site icon Revoi.in

પ્રા. શિક્ષકોની 10,000 જગ્યા ખાલી હોવા છતાં ભરતી કેમ કરાતી નથીઃ મોઢવાડિયા

Social Share

અમદાવાદઃ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ભરતી નહીં થવાને કારણે અનેક શાળાઓ માત્ર એક બે શિક્ષકોના સહારે ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં T.E.T પાસ કરીને બેઠેલા 47 હજારથી વધુ ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેકારીનો સામનો કરી રહ્યા છે.  રોજગારી અને ભરતીના અભાવે આવા ઉમેદવારોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તેમ છતાંય રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરાતા નથી. સરકારે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવી જોઈએ, તેમ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પણ લખ્યો છે.

કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતીને લઈને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને એવી રજુઆત કરી હતી. કે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી પડી છે. બીજી બાજુ T.E.Tની પરીક્ષા પાસ કરીને બેઠેલા 47 હજાર ઉમેદવારો ભરતી નહીં થવાને કારણે બેકાર બન્યાં છે. જેના લીધે તેઓ ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યાં છે. છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. આ બાબત ઘણી દુઃખદ છે. મોઢવાડિયાએ શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની માંગ કરી છે. તે ઉપરાંત T.E.T પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવા કરવાની રજુઆત પણ કરી છે.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 2018-19માં 6 હજાર વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે માત્ર 3262 વિદ્યાસહાયકોની ભરતી કરીને બાકીની ભરતી પાછળથી કરીશું એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી બાકી રહેલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી નથી. ચાલુ વર્ષે 3900 વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી. તે પૈકી ગુજરાતી સિવાયના માધ્યમના 600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતી માધ્યમના 3300 વિદ્યા સહાયકોની ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી.