અમદાવાદ મ્યુનિના અધિકારીઓ કોર્પોરેટરોના ફોન ઉપાડતા કેમ નથી, મ્યુનિની સામાન્ય સભામાં ઠપકા દરખાસ્ત
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આજે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં AIMIMના જમાલપુરના કોર્પોરેટર મોહંમદ રફીક શેખે મ્યુનિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને જમાલપુર વિસ્તારમાં કચરો ઉપાડવા બાબતે રજૂઆત કરતા ઉદ્ધતાઈભર્યું વર્તન અને સરખી રીતે વાત ન કરતા ઠપકો આપવા અંગે દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત મામલે મેયર કિરીટ પરમારે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને તપાસ સોંપી અને બે મહિનામાં આ અંગેનો અહેવાલ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. કોરોનાં કાળમાં અધિકારીઓએ ફોન ન ઉપાડ્યા હોવા અંગે ઉગ્ર રજૂઆત બોર્ડમાં થઈ હતી મ્યુનિના અધિકારીઓ પ્રજાના પ્રતિનિધિ એવા કોર્પોરેટરોના ફોન પણ ન ઉપાડતા હોવાની ઉગ્ર રજૂઆત થતા આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અધિકારીઓ ફોન નથી ઉપાડતા કે સંકલનનો કોઈ અભાવ હોય એવું નથી. સારી કામગીરી કરવામાં આવી છે. તેઓ વિરોધ પક્ષ છે અને વિરોધ કરવો તેમનું કામ છે. ભાજપના કોઈ કોર્પોરેટરના ફોન નથી ઉપાડ્યા એવું મારા ધ્યાને નથી આવ્યું.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં કોરોના કાળ દરમિયાન કામગીરી બાબતે ચર્ચા થઈ હતી. જેમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને આડે હાથે લીધા હતા. કોર્પોરેશનના અધિકારી કોર્પોરેટરના ફોન નથી ઉપાડતા અને મેસેજના પણ જવાબ નથી આપતા જે મામલે કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે સભામાં રજુઆત કરી હતી કે કોરોના કાળમાં હાલમાં બદલી થયેલા અને કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી કમિશનર (હેલ્થ) ડો. ઓમપ્રકાશની કામગીરી સારી ન હતી. 108ની જવાબદારી દિલીપ રાણા પાસે હતી અને લોકોને બે બે કલાક સુધી દાખલ થવા 108 મળતી નહતી. ઇન્જેક્શન, બેડ કોઈપણ સુવિધા પ્રજાને મળી ન હતી. જે મામલે કમિશનરે પોતાના ડેપ્યુટી કમિશનરોનો બચાવ કર્યો હતો.
કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ રજૂઆત કરી હતી કે, SVP હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. સંદીપ મલ્હાન કોઈના ફોન નથી ઉપાડતા, મેસેજના જવાબ નથી આપતા. ઈમેલ કર્યો છે તેના પણ જવાબ આપ્યા નથી. રાજશ્રી કેસરીએ ઉગ્ર રજૂઆત કરી હતી કે, મારી માતા સાથે વીડિયો કોલ પર વાત પણ કરવા દેવામાં આવી ન હતી. અમારે એક કલાક બેસી રહેવું પડયું હતું. કમિશનરે બચાવ કરતા જવાબ આપ્યો હતો કે કોરોના કાળમાં હોસ્પિટલમાં જવાની મનાઈ હોવા છતાં તમે PPE કીટ પહેરી હોસ્પિટલમાં ગયા અને સુપ્રિટેન્ડન્ટ સાથે ઝઘડા કરો એ યોગ્ય નથી. જેનો રાજશ્રી કેસરીએ જવાબ આપ્યો હતો કે હું ઝઘડો કરવા નહોતી ગઈ. મારી સાથે ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ બારોટ પણ હાજર હતા.