(સુરેશ ગાંધી)
દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં હિન્દુ બહુમતી હોવા છતા લધુમતિ કોમના આગેવાનોએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના મહત્વના પદ ઉપર બિરાજમાન થયાં છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં હિન્દુ બહુમતી ધરાવતા બહુલ ગામમાં હાફિઝ અજીમુદ્દીન નામની મુસ્લિમ વ્યક્તિ સરપંચ બનતા સોશિયલ મીડિયામાં તેઓ છવાઈ ગયા હતા. એટલું જ નહીં ન્યૂઝ ચેનલોએ ટીઆરપી વધારવા માટે આવા ન્યૂઝ પ્રસારિત કર્યાં હતા. પરંતુ હિન્દુ લઘુમતી ધરાવતા રાજ્યમાં સીએમ તથા અન્ય મહત્તવના હોદ્દા ઉપર હિન્દુ કેમ બિરાજમાન નથી થતા તે અંગે હજુ સુધી કહેવાતા સેક્યુલરો, સમાજચિંતકો, રાજનીતિજ્ઞો અને બુદ્ધિજીવીઓએ હરફ પણ ઉચ્ચારતા નથી. જો કે, હિન્દુ બહમુતી ધરાવતા વિસ્તારોમાં જ લઘુમતી કોમ સાથે કંઈ પણ થાય તો આવા કહેવાતા બુદ્ધિજીવીઓ કાંગારોળ મચાવે છે. જ્યારે બહુમતી હિન્દુઓ મુસ્લિમને ચુંટે તે તો હિન્દુ સમાજની પ્રકૃતિ અને ભાઈચારો દર્શાવે છે.
ખરેખર તો હિન્દુ બહુમતી ધરાવતા મત વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવાર ચૂંટાય તે કોઇ નવાઈની કે આશ્ર્ચર્ય ની વાત નથી. બહુમતી હિન્દુઓ મુસ્લિમને ચુંટે તે તો હિન્દુ સમાજની પ્રકૃતિ અને સ્વાભાવિકતા છે. પરંતુ 95 ટકા મુસ્લિમ બહુમતીવાળા મતક્ષેત્ર માંથી માત્ર 5 ટકા વસ્તી ધરાવતો કોઈ હિન્દુ ઉમેદવાર ચૂંટાય ત્યારે સમાચાર ગણી શકાય. ભારતમાં હિન્દુઓએ પંથના ભેદભાવ વિના મુસ્લિમોને ભૂતકાળમાં પણ મહત્વના હોદ્દા ઉપર સ્થાન આપ્યું છે. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકમાં 75 ટકા હિન્દુ મતદારો હોવા છતાં એહમદ પટેલ આ બેઠક ઉપરથી ત્રણ વાર સાંસદ તરીકે ચુંટાયા હતા. બનાસકાંઠાની હિન્દુ બહુમતી ધરાવતી લોકસભા બેઠક પરથી અકબર ચાવડા બે વાર સાંસદ તરીકે ચુંટાયા હતા. એટલુ જ નહિ તેમના અવસાન પછી તેમનાં પત્નિ જોહરાબીબીને પણ હિન્દુ મતદારોએ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટ્યા હતા. અમદાવાદ જેવા 80 ટકા હિન્દુ બહુલ વિસ્તારમાંથી 1977માં અહેસાન જાફરી સાંસદ તરીકે ચુંટાયા હતા. રાજકોટ લોકસભા હિન્દુ બહુલ હોવા છતાં મીનું મસાની નામના પારસી ઉમેદવારને લોકોને સાંસદ તરીકે ચૂંટ્યા હતા અને વિપક્ષના હિન્દુ ઉમેદવાર હાર્યા હતા. તેવી જ રીતે હિન્દુ બહુલ ગોધરા બેઠક પરથી મુંબઈના પારસી સજજન પીલુ મોદીને લોકોએ હોંશે હોંશે ચૂંટ્યા હતા. રાજસ્થાનની ઝુંનઝુનું બેઠક પરથી 90 ટકા હિન્દુ મતદારો હોવા છતાં અયુબખાન બે વાર સાંસદ તરીકે ચુંટાયા હતા. મધ્યપ્રદેશની બર્દવાન લોકસભા બેઠક કે જ્યાં 91 ટકા હિન્દુ મતદારો છે ત્યાંથી મુમતાઝ સંગમિત્રા સાંસદ તરીકે ચુંટાયા હતા. રાયગંજની લોકસભા બેઠક કે જ્યાં ૭૨ ટકા હિન્દુ મતદારો છે ત્યાંથી ડાબેરી મહમ્મદ સલીમ સાંસદ તરીકે ચુંટાયા હતા.આમ હિન્દુ બહુમતિ વાળા મતક્ષેત્રમાંથી મુસ્લિમ ઉમેદવારો હિન્દુઓના મતોથી આરામથી ચુંટાઈ શકે છે.
હિન્દુ બહુમતિવાળા રાજ્યોમાં મુસ્લિમ નેતાઓ મુખ્ય મંત્રી પણ બન્યાં છે. 90 ટકા હિન્દુ બહુમતિ ધરાવતા રાજસ્થાન માં 1971 માં બરક્તુલ્લા ખાન મુખ્યમંત્રી બન્યાં હતા. માત્ર 15 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા બિહારમાં 1973 માં અબ્દુલ ગફુર મુખ્યમંત્રી બની બન્યાં હતા. છત્રપતિ શિવાજી મહારાજ ના મહારાષ્ટ્ર માં અબ્દુલ રહેમાન અંતુલે 1980 માં મુખ્યમંત્રી બન્યાં હતા. હિન્દુ બહુલ આસામમાં સૈયદા અનવરા તૈમુર 1980માં ત્યાંના મુખ્યમંત્રી બન્યાં હતા. હિન્દુ બહુલ કેરળ કે જ્યાંથી આદિ શંકરાચાર્યે સનાતન ધર્મ નો ડંકો વગાડ્યો હતો તે ભૂમિ પર મહમ્મદ કોયા 1979માં મુખ્યમંત્રી બની શક્યા હતા. પોંડિચેરી કે જે મહર્ષિ અરવિંદ ની તપસ્યા ભૂમિ છે ત્યાં મહમ્મદ ફારુખ એક નહીં પણ ત્રણ વાર મુખ્યમંત્રી બન્યાં હતા. ભગવાન શ્રીકૃષ્ણ પર અપાર ભક્તિ ધરાવતા વૈષ્ણવી મણિપુર માં મોહંમદ અલીમુદ્દીન બે વાર મુખ્યમંત્રી બન્યા હતા. છત્તીસગઢ માં અજીત જોગી જેવા ખ્રિસ્તીપંથી નેતા મુખ્યમંત્રી બન્યાં હતા. આંધ્રપ્રદેશમાં રાજશેખર રેડ્ડી નામના ખ્રિસ્તીપંથી નેતા ત્યાંના મુખ્યમંત્રી બન્યાં હતા. આવી જ રીતે વર્તમાનમાં તેમના જ ખ્રિસ્તીપંથી સુપુત્ર જગન રેડ્ડી ત્યાંના મુખ્યમંત્રી છે.
દેશના જે રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં છે ત્યાં ભૂતકાળમાં કોઈ હિન્દુને મહત્વનો હોદ્દો મળ્યો નથી. 68 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા જમ્મુ કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મુફ્તી મોહમ્મદ સઈદ, મહેબુબા મુફ્તી, ગુલામનબી આઝાદ વિગેરે મુખ્યમંત્રી બની શક્યા છે પરંતુ કોઇ હિન્દુ નેતા ત્યાં મુખ્યમંત્રી બની શક્યા નથી. લક્ષદ્વીપમાં 97 ટકા મુસ્લિમ વસ્તી છે અહીં પણ બિનમુસ્લિમને સત્તાની આપવામાં આવી છે ખરી, એટલું જ નહીં 75 ટકા ખ્રિસ્તી વસતી અને 12 ટકા હિન્દુ વસ્તી ધરાવતા મેઘાલયમાં આજ દિન સુધી કોઈ હિન્દુ નેતા મુખ્યમંત્રી બની શક્યા છે ખરા, 88 ટકા ખ્રિસ્તી વસ્તી, 8 ટકા બૌદ્ધ ધર્મી અને 4 ટકા હિન્દુ વસ્તી ધરાવતા મિઝોરમમાં આજ દિન સુધી કોઈ હિન્દુ કે બૌદ્ધ મુખ્ય મંત્રી બની શક્યા છે ખરા, તેવા સવાલો ઉભા થાય છે.
ભારતમાં 80 ટકા હિન્દુ વસતી છે આ દેશની પ્રજાએ ચાર મુસ્લિમ રાષ્ટ્રપતિઓ જેવા કે ડૉ.જાકિર હુસેન, મો. હીદાયતુલ્લા, ફખ્રુદ્દિનઅલી એહમદ, અને ડૉ. અબ્દુલ કલામને સન્માનભેર આવકાર્યા છે, પરંતુ દુઃખ ની વાત એ છે કે ખ્રિસ્તી બહુલ મિઝોરમે તો કેન્દ્ર સરકારને સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો અહીં હિન્દુ ગવર્નર મોકલવામાં આવશે તો તેનો ભારે વિરોધ થશે. જો હિન્દુ લઘુમતી વધારવતા રાજ્યમાં સીએમ સહિતનો હોદ્દો જો હિન્દુઓને મળે તો જ સાચા અર્થમાં સર્વ પંથ સમાદર કહેવાય.