Site icon Revoi.in

અમદાવાદમાં 25 માળથી વધુ ઊંચા બિલ્ડિગ કેમ બનાવાતા નથી ? જાણો

Social Share

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં સરકાર દ્વારા હાઈરાઈઝ બિલ્ડિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ભવિષ્યમાં 100 મીટરથી લઈને 150 મીટર સુધી ઉંચાઈની બિલ્ડિંગો બંધાય તે માટે FSI પણ વધારવામાં આવી છે. તો રાજ્ય સરકાર અમદાવાદમાં 100 માળની બિલ્ડિંગ બાંધવાની મંજૂરી પણ આપશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે એક તરફ સરકાર અમદાવાદમાં બુર્જ ખલીફાનું સપનું જોઈ રહી છે પરંતુ બીજી તરફ બિલ્ડરોને 25 માળથી વધુ ઊંચી બિલ્ડીંગ બનાવવામાં રસ નથી. 25 માળથી વધુ ઊંચા બિલ્ડિંગોમાં મેન્ટેનન્સ ખર્ચ વધુ આવતો હોવાથી લોકો પણ વધુ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેવા જવાનું પસંદ કરતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ જેમ અમદાવાદમાં લોકોને હજુ હાઈરાઈઝ બિલ્ડિંગમાં ટોપ ફ્લોરમાં રહેવા માટેનો ક્રેજ નથી. મુંબઈમાં ટોપ ફ્લોરના સૌથી વધારો ભાવ હોય છે જ્યારે અમદાવાદમાં 100 નહીં 25માં માળે રહેવા પણ લોકો જલ્દી તૈયાર થતા નથી. એટલે કે, અમદાવાદમાં લોકોને પણ 25 માળથી વધુ ઊંચી બિલ્ડીંગમાં ઘર ખરીદવામાં ખાસ રસ નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2014થી લઈને વર્ષ 2021 સુધીના 8 વર્ષમાં 45 મીટરથી વધુ કે પછી 70 મીટર સુધીની ઊંચાઈની 49 ઈમારતોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. ના અધિકારીઓના મતે બિલ્ડરોને 70 મીટરની હાઈટ સુધીની ઈમારતો બાંધવામાં બાંધકામ કોસ્ટ મોંઘી પડે છે. જ્યારે કોમર્શિયલ ઈમારતોના યુનિટ પણ વેચાતા નથી. જ્યારે અમદાવાદીઓ 20 માળથી વધુની ઊંચાઈનું મેન્ટેનન્સ મોંઘુ પડતું હોવાથી ખરીદીમાં ઓછો રસ લે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઔડાએ અમદાવાદ શહેરનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવ્યો હતો. જેને રાજ્ય સરકારે ડિસેમ્બર 2014માં મંજૂરી આપી હતી. તે વખતે ડેવલોપમેન્ટ પ્લાનમાં ખાસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી. શહેરમાં આશ્રમ રોડની બંને તરફ ઉસ્માનપુરાથી એલિસબ્રિજ સુધીના પટ્ટાને સેન્ટ્રલ બિઝનેસ કોરિડોર(સીબીડી) ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આશ્રમ રોડને બિઝનેસ હબ તરીકે વિકાસ કરવાનું આયોજન કરવમાં આવ્યું હતું પણ આજદિવસ સુધી આ સીબીડી ઝોનમં માત્ર ત્રણ હાઈરાઈઝ બિલ્ડીંગ ઉભી થઈ શકી છે. આ પ્રકારે અમદવાદ શહેરના મેટ્રો રુટ પર અને બીઆરટીએસ રુટની બંને તરફ ટ્રાન્ઝિસ્ટ ઓરિયેન્ટેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા આઠ વર્ષમાં અમદાવદ શહેરમાં ટીઓઝેડ ઝોન અને મોટી પહોળાઈના રોડ ઉપર 10 માળથી 15 માળ સુધીની ઈમારતો બાંધવામાં બિલ્ડરોને રસ પડી રહ્યો છે. દર વર્ષે અંદાજે 25થી 30 નવી ઈમારતો ઊભી થઈ રહી છે. છેલ્લા 8 વર્ષમાં 45 મીટર સુધીની ઊંચાઈની 250 જેટલી ઈમારતોને મંજૂર કરવામાં આવી છે. બીજી તરફ 45 મીટરથી વધઉ ઊંચાઈની ઈમારતોમાં અત્યાર સુધીમાં 49 ઈમારતોને મંજૂરી આપવામાં આવી છે

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  અમદાવાદ શહેરમાં 45 મીટરથી વધઉ ઊંચાઈ કે પછી 70 મીટર સુધીની ઊંચાઈની ઈમારતોની મંજૂરીમાં રહેણાંક પ્રકારની ઈમારતો છે. જેમાં પણ ખાસ કરીને લક્ઝુરિયસ ફ્લેટની સ્કીમ હોય છે. મોટાભાગના કિસ્સામાં મોંઘા ફ્લેટ અને વધુ એમેનિટિઝ સાથેની સ્કીમો હાઈરાઈઝમાં આવી રહી છે જ્યારે કોમર્શિયલ ઈમારતોની સંખ્યા ઓછી છે. રહેણાંક સ્કીમોમાં પણ મેઇન્ટેનન્સ મોંઘુ હોય છે. કેમ કે, હાઈરાઈઝ બિલ્ડિંગમાં સુપર ફાર્સ્ટ લીફ્ટ જોઈએ જેનું વાર્ષિક મેઇન્ટેનન્સ અને ઓપરેટર માણસનો ખર્ચ આવી જાય છે.