અમદાવાદઃ ગુજરાતમાં બની રહેલા વારંવાર અકસ્માતમાં નિર્દોષ શ્રમિકોના ભોગ લેવાઈ રહ્યો છે, રાજ્યમાં ભાજપ સરકાર સેફ્ટી અને શ્રમિક કાયદાઓનો સદંતર અવગણનાઓને લીધે શ્રમિકો મોતને ભેટી રહ્યાં છે. અમદાવાદમાં નિર્માણાધીન ઈમારતમાં કામ કરતા શ્રમિકોના મોત એ ઘણી દુઃખદ ઘટના છે. મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને સત્વરે યોગ્ય વળતર ચુકવવામાં આવે અને બેજવાબદારો સામે કડક પગલા લેવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. તેમ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર બનતા જીવલેણ અકસ્માત છતાં રાજ્ય સરકાર ગંભીરતા દાખવતી નથી. સબ સલામતીના બણગા ફુંકતી ભાજપ સરકાર શ્રમિકોના વારંવાર થતાં આકસ્મિક મૃત્યુમાં છતાં કેમ દરકાર લેતી નથી ? સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટનાઓ છતાં તંત્ર ઉઘતુ રહ્યું છે. અમદાવાદમાં નિર્માણાધિન ઈમારતમાં કામ કરતા શ્રમિકોના મોત એ ઘણી દુઃખદ ઘટના છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, અસંગઠિત કામદાર ડીપાર્ટમેન્ટના ચેરમેન અશોક પંજાબી, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષી, હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટીના ચેરમેન ભીખુભાઈ દવે સહિતનું કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ સિવિલ હોસ્પિટલ પહોંચીને ઘાયલ શ્રમિકોને યોગ્ય સારવાર મળે અને મૃતક પરિવારના સ્વજનો સાથે કપરા સમયમાં કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે તેવી સાંત્વના પાઠવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં બાંધકામમાં કામ કરતા તમામ કામદારોની નોંધણી કરવાનું ફરજીયાત હોવા છતાં તંત્રની બેદરકારીને કારણે શ્રમિકો – કામદારોની નોંધણી કરવામાં આવતી નથી. બિલ્ડીંગ એન્ડ અધર કન્ટ્રક્શન ઈસ્પેક્ટરની જવાબદારી છે કે ફિલ્ડમાં ફરીને બાંધકામ શ્રમિકોની નોંધણી, સલામતીના તમામ ધારાધોરણોની ચકાસણી કરી પુરતી સલામતી છે કે નહી તે જાણવુ પરંતુ અમદાવાદમાં બનેલા અકસ્માતમાં શું ખરેખર ફિલ્ડ વીઝીટ કરવામાં આવી હતી કે નહીં ? તેનો જવાબ ભાજપ સરકાર આપે. બાંધકામમાં કામ કરતા આઠ મૃતક શ્રમિકો નોંધાયેલા હતા કે કેમ ? સુરતના બ્રિજ, રાજકોટના બ્રિજ, અમદાવાદની દીવાલ ધરાશાયી થયાની ઘટનામાં શ્રમિકો – નાગરિકોના થયેલા મોત છતાં પણ કેમ કોઈ નક્કર કામગીરી કરતી નથી? બાંધકામ સ્થળ ઉપર કામ કરતા કામદારોની નોંધણી કરાવવાની જવાબદારી નક્કી કરવામાં આવે, મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને સત્વરે યોગ્ય વળતર ચુકવવામાં આવે અને બેજવાબદાર રીતે વર્તતા અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.