RSS મુખ્યમથક શા માટે ગયા ચીનના ડિપ્લોમેટ્સ અને ત્યાં શું જોયું?, પહેલીવાર યોજાઈ આવી મુલાકાત
નાગપુર: ચીનના ઘણાં ડિપ્લોમેટ્સે ગત મહિને નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે ચીનની આરએસએસ આકરી ટીકા કરતું રહ્યું છે અને મોટાભાગે સરકારને ડ્રેગનની વિસ્તારવાદી નીતિથી બચવાની સલાહ આપે છે. ચીનના ડિપ્લોમેટ્સની આ કોઈ હિંદુવાદી સંગઠનના કાર્યાલય અથવા પ્રતિષ્ઠાનની પહેલી મુલાકાત છે. સંઘના મુખ્યમથકમાં જ હેડગેવાર સ્મૃતિ મંદિર પણ છે. આ સ્મૃતિ મંદિર આરએસએસના પ્રથમ સરસંઘચાલક ડૉ. કેશવ લિરામ હેડગેવારના નામ પર બનાવાયું છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, આરએસએસના એક પદાધિકારીએ પણ ચીનના રાજદ્વારીઓની મુલાકાતની પુષ્ટિ કરી છે.
યુરોપિયન દેશોના ડિપ્લોમેટ્સ આરએસએસના અધિકારીઓને મળતા રહે છે, પરંતુ આ પહેલો મોકો છે, જ્યારે કમ્યુનિસ્ટ શાસનવાળા ચીનના રાજદ્વારીઓએ આ મુલાકાત કરી છે. આ લોકો ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં આરએસએસના મુખ્યમથક પહોંચ્યા હતા. જો કે તેમની સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત થઈ શકી નથી, કારણ કે તેઓ બહાર કોઈ પ્રવાસ પર હતા. ચીનના આ રાજદ્વારીઓમાં મોટાભાગના મિડલ રેન્ક અધિકારી હતા. તેઓ દિલ્હી અને મુંબઈ ખાતે તહેનાત છે. ચીનના રાજદ્વારીઓનું સંઘના જ એક મોટા પદાધિકારીએ સ્વાગત કર્યું અને તેમને આખા પરિસરમાં ફેરવ્યા હતા.
મહારાષ્ટ્રમાં જ આવેલા મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિંદી વિશ્વવિદ્યાલયની પણ આ લોકોએ મુલાકાત લીધી હતી. આ સંસ્થાથી ચીની ભાષાના કેટલાક કોર્સ પણ સંચાલિત થાય છે. જો કે તેમની સંઘ મુખ્યમથકની મુલાકાત મહત્વની હતી. મહત્વપૂર્ણ છે કે 2020માં વિજયાદશમીના પોતાના ઉદબોધનમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગલવાનમાં થયેલા ઘર્ષણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભારતને ચીનનો સામનો કરવા માટે સીમા પર પોતાની શક્તિ વધારવાની જરૂરત છે. જો કે તેમણે ભારત સરકારના પ્રયાસોની ઘણીવાર પ્રશંસા પણ કરી છે. જણાવાય રહ્યું છે કે ચીનના રાજદ્વારીઓની આ વિઝિટ સામાન્ય જ હતી અને તેમણે સંઘના કામકાજને સમજ્યું અને પરિસરની મુલાકાત લીધી હતી.