મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટે બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને પુસ્તક ‘કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઈબલ’ના કેસમાં નોટિસ ફટકારી છે. જસ્ટિસ જીએસ અહલુવાલિયાની સિંગલ બેન્ચે પુસ્તકની સહ-લેખક અદિતિ શાહ ભીમજીયાની, એમેઝોન ઈન્ડિયા અને જગરનોટ બુક્સ પાસેથી પણ જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 1 જુલાઈએ થશે.
2022માં અરજી દાખલ કરવામાં આવી હતી
એડવોકેટ ક્રિસ્ટોફર એન્થોનીએ 2022માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પહેલી સુનાવણી ઓગસ્ટ 2022માં થઈ હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને પક્ષકાર બનાવવા પણ કહ્યું હતું. બાદમાં મામલો થોડો ઠંડો પડી ગયો હતો. એન્થોનીએ કોર્ટમાં પોતાનું મેમોરેન્ડમ રજૂ કર્યા બાદ 10 મેના રોજ સુનાવણી થઈ હતી.
બાઇબલ ખ્રિસ્તી લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે
અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે નામમાં બાઈબલ ઉમેરવાથી ઈસાઈ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. એન્થોની કહે છે કે બાઇબલ એ ખ્રિસ્તી ધર્મનો ધાર્મિક ગ્રંથ છે. ભગવાન ઇસુના ઉપદેશોનું વર્ણન આ પવિત્ર ગ્રંથમાં જોવા મળે છે. કરીનાના પુસ્તકમાં બાઈબલનો ઉપયોગ દુઃખદાયક છે.
આ પુસ્તક 2021માં લખાયું હતું
9 ઓગસ્ટ, 2021ના રોજ કરીના કપૂરે પ્રેગ્નન્સી પર લખેલી આ બુક લોન્ચ કરી હતી. કરીનાએ આ પુસ્તકને પોતાનું ત્રીજું સંતાન ગણાવ્યું હતું. પુસ્તકના લોન્ચિંગ પ્રસંગે કરીનાએ કરણ જોહર સાથે ઓનલાઈન ચર્ચા કરી અને ગર્ભાવસ્થા દરમિયાન જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે વાત કરી. કરીનાએ જણાવ્યું કે, બીજી પ્રેગ્નેન્સી તેના માટે પહેલી પ્રેગ્નન્સી કરતાં વધુ મુશ્કેલ હતી.