BJPએ NCP સામે કૌભાંડના આક્ષેપો કર્યા બાદ હવે અમારા જ MLAને મંત્રી કેમ બન્યાઃ શરદ પવારનો સવાલ
નવી દિલ્હીઃ એનસીપીમાં અજીત પવારે બળવો કરીને કાકા શરદ પવાર સામે મોરચો ખોલ્યો છે. દરમિયાન આજે અજીત પવારે શક્તિ પ્રદર્શન કર્યાં દરમિયાન શરદ પવારને નિવૃત્તિ અને રાજીનામા સહિતના મુદ્દે ટોણો માર્યો હતો. જે બાદ શરદ પવારે પોતાના જૂથના નેતાઓ કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં લગભગ 12 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં છે. આ દરમિયાન શરદ પવારે અજીત પવાર અને ભાજપાને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા.
એનસીપીના વડા શરદ પવારે કાર્યકરોને સંબોધતા કહ્યું કે રાજનીતિમાં સંવાદ આજે ખતમ થઈ ગયો છે. જો રાજકારણમાં કંઇક ખોટું થતું હોય તો નેતાઓએ તેની વાત સાંભળવી જોઇએ. કોમ્યુનિકેશન રાખવું પડશે. જો વાતચીત ન થાય તો દેશમાં અસ્વસ્થતા છે. જો કંઈક ખોટું થઈ રહ્યું છે, તો તેને સુધારવું પડશે. સંકટ મોટુ છે અને આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે. વડાપ્રધાને કહ્યું હતું કે NCPએ 70 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે. આ આરોપ પાયાવિહોણો છે. એક તરફ ભાજપ અમારી પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવે છે, તો તેઓ અમારી જ પાર્ટીના નેતાઓને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી કેમ બનાવ્યા?
અજિત પવાર જૂથ અંગે શરદ પવારે કહ્યું હતું કે, એનસીપીના નેતાઓ અને કાર્યકરોએ અનેક પડકારોનો સામનો કરીને પાર્ટીને વધારે મજબુત બનાવી છે, જે બાદ પાર્ટીના સારા દિવસ આવ્યાં છે. તેમજ જે વિચારધારાનો વિરોધ કરો છો તેની સાથે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, અમારા પક્ષનું ચૂંટણી ચિન્હ ક્યાંય જશે નહીં અને અમે તેને ક્યાંય જવા દઈશું નહીં. અજીત પવારની સભામાં મારી તસ્વીર લગાવવામાં આવી હતી. આમ મારા વિના તેમનો સિક્કો ચાલશે નહીં.
મુંબઈમાં પોતાના જૂથના નેતાઓની બેઠકમાં એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે જો અજિત પવારને કોઈ સમસ્યા હતી તો તેમણે મારી સાથે વાત કરવી જોઈતી હતી. જો તેના મનમાં કંઈક હતું, તો તે મારો સંપર્ક કરી શકે છે. તેમણે કહ્યું કે ભાજપ NCPને ભ્રષ્ટ કહે છે, તો તમે NCP સાથે હવે ગઠબંધન કેમ કર્યું? ઉદ્ધવ ઠાકરે સાથે જે બન્યું તેનું પુનરાવર્તન થયું. આખો દેશ જોઈ રહ્યો છે. આજે અજિતે જે પણ કહ્યું તે સાંભળીને દુઃખ થયું છે. જો તમે ખોટું કર્યું હોય તો સજા માટે તૈયાર રહો.