ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવેલુ દ્વારકાધીશનું મંદિર એટલે કે શ્રીકૃષ્ણને અનેક પ્રકારની પ્રસાદી કે ભોગ ધરાવવામાં આવે છે, લોકો દુર દુરથી આ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે પણ આવે છે આવામાં તે વાત દરેક લોકોને ખબર હશે કે ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે પરંતુ તેમને 56 ભોગ જ કેમ ધરાવવામાં આવે છે તેના વિશે મોટાભાગના લોકોને જાણ હશે નહીં.
શ્રીકૃષ્ણએ સતત 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગણીએ ધારણ કરી રાખ્યો હોવાની કથા સર્વવિદિત છે. અને વાસ્તવમાં પ્રભુને અર્પણ થતાં 56 ભોગની પ્રણાલી પણ આ કથા સાથે જ જોડાયેલી છે. આ કથા અનુસાર માતા યશોદા બાળકૃષ્ણને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતા હતા. પણ એકવાર વ્રજ પર ઈન્દ્રનો પ્રકોપ ઉતર્યો. અને અનરાધાર વરસાદ વરસ્યો. આ વરસાદથી વ્રજવાસીઓની રક્ષા કરવા ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉઠાવી લીધો હતો. માત્ર સાત વર્ષનો કાનુડો સતત 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરીને ઉભો રહ્યો. એ પણ, અન્નજળ ગ્રહણ કર્યા વિના !
પ્રભુની લીલા સામે હારીને આખરે ઈન્દ્રને પોતાની ભૂલ સમજાઈ. તેણે પ્રભુની ક્ષમા માંગીને આઠમાં દિવસે વરસાદને રોકી લીધો. શ્રીકૃષ્ણએ પણ તમામ વ્રજવાસીઓને ગોવર્ધન પર્વત નીચેથી નીકળી જવાનું કહ્યું. પરંતુ, દિવસમાં 8 વખત ભોજન કરનાર કૃષ્ણ સળંગ 7 દિવસ સુધી ભુખ્યા રહેતા વ્રજવાસીઓ અને મૈયા યશોદાને ખુબ દુઃખ થયું હતું. આખરે, પ્રભુ પ્રત્યેની પોતાની અનન્ય શ્રદ્ધા દેખાડતા તમામ વ્રજવાસીઓ સહિત યશોદા માતાએ 7 દિવસ અને આઠ પ્રહરના હિસાબથી (7×8=56) છપ્પન વ્યંજનો બનાવ્યા. અને તે 56 ભોગ બાલગોપાલને ભાવથી ખવડાવ્યા. માન્યતા અનુસાર તે સમયથી જ ઠાકોરજીને 56 ભોગ અર્પણ કરવાની પ્રણાલીનો પ્રારંભ થયો છે.