Site icon Revoi.in

GPSCની પરીક્ષાઓ નિયત કરેલી તારીખે કેમ લેવાતી નથી, કોંગ્રેસે સરકાર સામે ઉઠાવ્યો સવાલ

Social Share

અમદાવાદઃ સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો ઉમેદવારો વારંવાર પરીક્ષા રદ થતાં  સમય-શક્તિના ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે. ભાજપ સરકારની અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિથી યુવાનો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગની પ્રાથમિક પરીક્ષાઓ વારંવાર રદ કરાતી હોવાથી યુવાનો હતાશામાં ધકેલાયા છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગની (GPSC) પ્રાથમિક પરીક્ષાઓ યેનકેન પ્રકારે વારંવાર રદ કરવામાં આવે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023 દરમિયાન પ્રસિધ્ધ થનારી જાહેરાતોમાંથી મોટાભાગની પ્રાથમિક પરીક્ષાઓ કેલેન્ડર પ્રમાણે યોજાઈ નથી. પરીક્ષાની તૈયારી કરતા હજારો મહેનતુ  યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે ભાજપા સરકાર રમત રમી રહી છે. જીપીએસસીની ભરતીની જાહેરાત પછી બે વર્ષ સુધી પરીક્ષાઓ ન યોજવા પાછળ કોઈ કારણ જણાવાતું નથી. છેલ્લા છ મહિનાથી દર મહિને પ્રાથમિક પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે. છેલ્લા 6 મહિનામાં જી.પી.એસ.સી. દ્વારા 20 જેટલી પરીક્ષાઓ ‘વહીવટી’ કારણો આગળ ધરીને પરીક્ષા મોકૂફ કરવાનો ખેલ ચાલી રહ્યો છે. સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાનો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. અનેક વિભાગોમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી.

તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં આઠ-દસ વર્ષથી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ મહત્વના પદ પર અડીંગો જમાવી બેઠા છે, સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો છે. બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ છે ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ભરતી કરીને યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાત સરકારમાં હજારોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. તેમ છતાં ખાલી જગ્યાઓ પર ભરતી કરાતી નથી.