Site icon Revoi.in

રાજ્યની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા કેમ ભણાવાતી નથી, હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ

Social Share

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, સરકારના પરિપત્ર દ્વારા પણ શા માટે યોગ્ય અમલ કરવામાં આવતો નથી. તેમજ અનેક સ્કૂલોમાં શા માટે ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી તે અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

કેસની હકીકત અનુસાર, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી માધ્યમમાં સંતાનો ભણાવવાનું ચલણ વધ્યું છે. બીજી તરફ મોટાભાગની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને માતૃભાષા ગુજરાતી ભાષા ભણાવવામાં આવતો નહીં હોવાથી રાજ્યની વડી અદાલતમાં અરજી થઈ હતી. અરજીમાં એવી દલીલ કરાઇ હતી કે, ઇન્ટરનેશનલ બોર્ડ અને કેન્દ્રિય વિદ્યાલય સહિતના બોર્ડ દ્વારા ગુજરાતી ભાષા ભણાવાતી નથી. દરમિયાન હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો કે, સરકારના જ પરિપત્રનો શા માટે અમલ કરાવવામાં નથી આવી રહ્યો? રાજ્ય સરકારે 23 શાળાને નોટિસ આપી હોવાની જાણ હાઇકોર્ટને કરી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી કે, આગામી દિવસોમાં ફરજીયાત ગુજરાતી ભણાવાય તે પ્રકારે પગલાં લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે, રાજ્યમાં તમામ બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, એટલું જ નહીં દર વર્ષે શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમોની આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગરીબ પરિવારના બાળકોને આરટીઈ હેઠળ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.