અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં તો ઘટાડો થઈ રહ્યો છે. પણ મ્યુકોરમાઈકોસિસની નવી બીમારીએ ચિંતા વધારી છે. આ વખતે કોરોના નહીં પણ કોરોનાના ઈલાજમાંથી સાજા થયેલાને ચપેટમાં લેતા મ્યુકોરમાઈકોસિસના મહારોગનો વકરી રહ્યો છે. ડાયાબિટીસ હોય અને કોરોના ઈન્ફેક્શન લાગે તેવા દર્દીઓને મોટાભાગે શિકાર બનાવતા આ ફંગલ ઈન્ફેક્શનને ગુજરાત સરકારે મહામારી ઘોષિત કરી છે. પરંતુ આટલું કરીને સરકાર જાણે પોતાની ફરજ પૂરી કરી દીધી હોય તેવી ભૂલનું પુનરાવર્તન કરી રહી છે.
અગાઉ કોરોના વખતે પણ જે રીતે આંકડાઓ છુપાવવાની રમત ચાલી રહી તે રીતે જ મ્યુકોરમાઈકોસિસમાં પણ ચાલી રહ્યું છે. નહિતર, ગુજરાત સરકાર જે રીતે રોજ સાંજે કોરોનાનું બુલેટિન બહાર પાડે છે તે રીતે મ્યુકોરમાઈકોસિસનું ડેઈલી બુલેટિન બહાર કેમ નથી પાડતી?
રાજ્યમાં લોકો હજુ કોરોનાની મહામારીની વ્યથામાથી બહાર પણ નીકળ્યા નથી ત્યાં જ મ્યુકોરમાઇકોસિસ નામની બીજી મહામારીએ પગદંડો જમાવવા માંડયો છે. અમદાવાદ સિવિલમાં અત્યારે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે ઉભા કરાયેલા તમામ આઠ વોર્ડ લગભગ ફૂલ થવાના આરે છે. જેથી હવે તાત્કાલિક નવાં વોર્ડ ઉભા કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. કેન્દ્ર સરકારની યાદી અનુસાર ગુજરાતમાં અત્યારે 2281 કેસ છે પરંતુ રાજ્ય સરકારની સત્તાવાર યાદીની અનુપસ્થિતિમાં નિષ્ણાત તબીબોના મતે આ આંક 3000 અથવા તેથી પણ વધુ હોય તો નવાઈ નહીં. એકલા અમદાવાદમાં જ 1000થી વધુ કેસ હોવાનું તબીબો કહી રહ્યા છે. મ્યુકરમાયકોસિસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. અહીં દરરોજ 30થી વધુ દર્દીઓ દાખલ થાય છે અને હાલ 492 દર્દી દાખલ છે. આ ઉપરાંત મ્યુકોરમાઈકોસિસના 19 દર્દીને સમરસમાં ખસેડાયા છે અને હજી 50 લઇ જવાશે. રાજકોટ સિવિલમાં કુલ પાંચ ઓપરેશન થિએટર કાર્યરત છે અનેહવે સમરસ હોસ્ટેલમાં કોરોનાને બદલે મ્યુકોરમાઈકોસિસના દર્દીને દાખલ કરાઈ રહ્યા છે.