1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનના મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટને સફળતા કેમ નથી મળતી ?
અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનના મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટને સફળતા કેમ નથી મળતી ?

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનના મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટને સફળતા કેમ નથી મળતી ?

0
Social Share

અમદાવાદઃ શહેરમાં સૌથી વધુ વાહનોના પાર્કિંગની વિકટ સમસ્યા છે. બીજીબાજુ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મલ્ટિલેવલ પાર્કિંગના અણઘડ આયોજનને લીધે પાર્કિંગની સમસ્યા હલ થઈ શકી નથી. સાબરમતી રિવરફ્રંટ પર ટુંક સમયમાં એક વિશાળ મલ્ટી-લેવલ કાર પાર્કિંગનું કામ સમાપ્ત થઈ જશે. આ કાર પાર્કિંગ 1000 કારને પાર્ક કરવાની ક્ષમતા ધરાવે છે અને ગુજરાતનું આ સૌથી મોટું કાર પાર્કિંગ છે. પરંતુ અહીં પ્રશ્ન એ ઉભો થયો છે કે મલ્ટિ લેવલ પાર્કિંગ જ્યાં બની રહ્યું છે તેની પાસે લગભગ 10.5 કિલોમીટર લાંબો પટ્ટો છે, જ્યાં વાહનચાલકો સરળતાથી પોતાના વાહનો પાર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યારે જેટલા પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે તેનો માત્ર 32 થી 35 ટકા જ ઉપયોગ થાય છે, તેમ છતાં આગામી બે વર્ષોમાં મલ્ટિ લેવલ કાર પાર્કિંગ બનાવવામાં કરદાતાઓના 474 કરોડ રુપિયાનો ઉપયોગ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના રોડ-રસ્તો પર જેટલા વાહનોથી અવરજવર  છે તેમાંથી 77 ટકા  ટુ-વ્હીલર વાહનો દોડી રહ્યા છે. જ્યારે માત્ર 12 ટકા લોકો જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે અને બાકીના 6 ટકા લોકો શટલ અથવા તો ખાનગી રિક્ષાનો ઉપયોગ કરે છે. આ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. અને કદાચ આ જ કારણોસર કાંકરિયા અને નવરંગપુરા વિસ્તારમાં કાર માટે બનાવવામાં આવેલા પાર્કિંગ ખાલીખમ  રહેતું હોય છે. મે, 2019માં તે સમયના શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સ્વીકાર્યુ હતું કે નવરંગપુરા વિસ્તારમાં મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવાનો વિચાર ખોટો હતો. એસ્ટેટ ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારી જણાવ્યું હતું  કે, કરોડો રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા  મલ્ટી લેવલ પાર્કિંગની આસપાસના વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી પેઈડ પાર્કિંગની સુવિધાને કારણે મલ્ટિ લેવલ પાર્કિંગનો ઉપયોગ નથી થતો. નવરંગપુરા મલ્ટિ લેવલ પાર્કિંગ નજીક સી.જી.રોડ વિસ્તાર છે, પરંતુ ત્યાં આખા રસ્તા પર પાર્કિંગની સુવિધા છે. કાંકરિયાની વાત કરીએ તો તેના છ દરવાજા પાસે પેઈડ પાર્કિંગ પ્લોટ છે, જેના કારણે મલ્ટિ-લેવલ પાર્કિંગ ખાલી રહે છે. મ્યુનિના અધિકારીએ વધુમાં જણાવ્યુ હતું કે, શહેરમાં કોઈ ઓવરબ્રિજ બનાવવો હોય તો તેના પહેલા અભ્યાસ કરવામાં આવે છે કે ઓવરબ્રિજની જરુર છે કે નહીં. પરંતુ મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવામાં કરદાતાઓના કરોડો રુપિયા રોકતા પહેલા અભ્યાસ કરવામાં નથી આવ્યો કે પાર્કિંગની માંગ શું છે અને શહેરના લોકો ક્યાં અને કેવી રીતે પાર્ક કરે છે.

શહેરના જ એક મલ્ટિ લેવલ પાર્કિંગ કોમ્પલેક્સના ઓપરેટર જણાવે છે કે, એએમસીએ પાછલા દોઢ દશકમાં એકપણ વાર પાર્કિંગ ફીના માળખાને બદલવાનો પ્રયાસ નથી કર્યો, પરંતુ તે અવારનવાર લાઈસન્સ ફીમાં વધારો કરે છે. પાર્કિંગ સુવિધાનો ઉપયોગ ઓછા લોકો દ્વારા કરવામાં આવે છે, અને ઉપરથી લાઈસન્સ ફી વધતી જાય છે, જેના કારણે ઓપરેટર્સ પણ કોન્ટ્રાક્ટ લેતા ખચકાટ અનુભવે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code