દિલ્લી: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલા વર્ષોથી સંબંધો બગડ્યા છે. અમેરિકાએ ઈરાન પર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા છે જેના કારણે હવે બંન્ને દેશો વચ્ચે અંતર ખુબ વધી ગયુ છે. આ બાબતે જાણકારોનું કહેવું છે કે ઇઝરાયેલ અને અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇરાને યુરેનિયમ સંવર્ધન કરવાનું શરૂ કર્યું છે અને ઇરાન વર્ષોથી પરમાણુ બોમ્બ બનાવવાના સપના સેવી રહ્યું છે કારણ કે ઇરાનના જાનીદુશ્મન ઇઝરાયેલ પાસે અણુ બોમ્બ છે એ જ વાત ઇરાનને ખટકે છે. ઇરાનને પરમાણુ શક્તિ હાંસલ કરતા રોકવા ઇઝરાયેલ અને પશ્ચિમી દેશો સંપૂર્ણ જોર લગાવી રહ્યાં છે.
હાલ સૂત્રોથી મળતી જાણકારી મુજબ અમેરિકા સાથે વધી રહેલા તણાવ મધ્યે ઇરાને યુરેનિયમ સંવર્ધન કરવાનું શરૂ કર્યું છે અને ઇરાનના એક અણુ પ્લાન્ટમાં ૨૦ ટકા યુરેનિયમનું સંવર્ધન થઇ રહ્યું છે. જો કે તે વાતમાં કોઈ શંકા નથી કે ઈરાનની આ પ્રકારની પ્રવૃતિથી અમેરિકા વધારે રોષે ભરાશે અને ઈરાન પર વધારે પ્રતિબંધ પણ લગાવી શકે છે.
પરમાણુ શસ્ત્ર બનાવવા માટે ૯૦ ટકા શુદ્ધતાના યુરેનિયમની જરૂર હોય છે. ઇરાને એક દાયકા પહેલા પણ ૨૦ ટકા યુરેનિયમ સંવર્ધનની દિશામાં પગલું ભર્યુ હતું. એ વખતે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ગંભીર ટકરાવની સ્થિતિ આવી ગઇ હતી. એટલા માટે આ વખતે જાણકારો માની રહ્યા છે કે ઇરાનનો આ નિર્ણય પશ્ચિમ એશિયાના દેશોને યુદ્ધની આગમાં મોકલી શકે છે.
અમેરિકા અને ઇરાન વચ્ચેના વિવાદના મૂળમાં ઓબામાના શાસનકાળ દરમિયાન થયેલા પરમાણુ સંધિ છે. વર્ષો સુધી ચાલેલી મંત્રણા બાદ ૨૦૧૫માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આગેવાની હેઠળ જોઇન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન નામની સમજૂતિ થઇ હતી જેનો ઉદ્દેશ ઇરાનના પરમાણુ કાર્યક્રમને સીમિત રાખવાનો હતો. આ સમજૂતિમાં જર્મની અને યુરોપિયન યુનિયન પણ સામેલ હતાં. આ સમજૂતિ અંતર્ગત ઇરાને તેના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવાનો હતો અને બદલામાં તેના ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યાં હતાં.