ગાંધીનગરઃ વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને આરોગ્યવિષયક સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબ જ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે. આવી કટોકટીની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણની અતિ ઘાતક, આક્રમક અને વ્યાપક બીજી લહેરે આરોગ્યની પાંગળી વ્યવસ્થા વચ્ચે મોત સામે સંઘર્ષ કરી રહેલા ગુજરાતમાં ખુબ જ ભયાનક સ્થિતિ પેદા થઈ હોવાનું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ડીસેમ્બર-૨૦૨૦ની સ્થિતિએ સરકારી અને જનરલ હોસ્પિટલોમાં વર્ગ-૧ની ૮૨૯, વર્ગ-૨ની ૬૨૮, વર્ગ-૩ની ૩,૮૫૭ અને વર્ગ-૪ની ૧,૦૦૬ જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-૧ની ૪૭૯, વર્ગ-૨ની ૨૯૮, વર્ગ-૩ની ૧,૧૮૨ અને વર્ગ-૪ની ૧,૧૬૪ જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-૨ની ૫૦૨, વર્ગ-૩ની ૧,૩૫૮ અને વર્ગ-૪ની ૧,૧૬૯ જેટલી જગ્યાઓ ખાલી છે. વર્ગ-૧ અને વર્ગ-૨ની ડોકટરો અને પેરામડીકલ સ્ટાફની મોટાપાયે જગ્યાઓ ખાલી હોવાથી નાગરિકોને મહામારીમાં સમયસર યોગ્ય સારવાર મળતી નથી. રાજ્ય સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે બજેટમાં વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૧૧,૩૨૨.૮૧ કરોડ, વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૧૧,૨૪૨.૬૦ કરોડ, વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૯,૮૬૯.૧૬ કરોડ, વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૯,૭૫૦.૫૦ કરોડ અને વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૮,૮૦૦.૦૦ કરોડ મળીને પાંચ વર્ષમાં કુલ રૂ. ૫૦,૯૮૫.૦૭ કરોડની ફાળવણી કરેલ હોવા છતાં આજે રાજ્યની સિવિલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાત તબીબો અને પેરામેડીકલ સ્ટાફની જગ્યાઓ મોટાપાયે ખાલી છે. આટલી જંગી રકમની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ આજે સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીન, વેન્ટીલેટર મશીન, એક્સ-રે મશીન, ઓક્સિજન, લેબોરેટરી વગેરે સાધન-સામગ્રીની પણ મોટા પ્રમાણમાં અછત છે.
નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી છે ત્યારે અગમચેતીના ભાગરૂપે રાજ્યની સીવીલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાત તબીબો અને પેરામેડીકલ સ્ટાફની જગ્યાઓ કાયમી અથવા ૧૧ મહિનાની કરાર આધારિત સીધી ભરતી કરવી જોઈએ તથા આ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબના સીટી સ્કેન મશીન, વેન્ટીલેટર મશીન, એક્સ-રે મશીન, ઓક્સિજનની સુવિધા, લેબોરેટરીની સુવિધા વગેરે મેડીકલ સાધન-સામગ્રી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી નાગરિકોનો મહામુલો જીવ બચી શકે.