દર વર્ષે 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ પણ થયો હતો. ‘મેજર ધ્યાનચંદ સિંહ’એ ભારતને હોકીમાં ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેથી તેમના સન્માન માટે દર વર્ષે તેમનો જન્મદિવસ 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા હતા.
વર્ષ 2012 માં ભારત સરકારે મેજર ધ્યાનચંદની જન્મજયંતિને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ રમતોમાં યોગદાન આપનાર ખેલાડીઓને રાષ્ટ્રીય રમત પુરસ્કારોથી સન્માનિત કરે છે.
હોકીના જાદુગર હતા મેજર ધ્યાનચંદ
મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ધ્યાન સિંહ તરીકે થયો હતો.
વર્ષ 1922 માં, ધ્યાનચંદ ભારતીય સેનાનો ભાગ બન્યા અને સૈનિક તરીકે દેશની સેવા કરી.
તેઓ વર્ષ 1956માં ભારતીય સેનામાંથી મેજરના પદ સાથે નિવૃત્ત થયા હતા.
ધ્યાનચંદે હોકીમાં આવા ઘણા પરાક્રમો બતાવ્યા, જેના કારણે તેમને “વિઝાર્ડ ઓફ હોકી”નું બિરુદ આપવામાં આવ્યું.
ભારતે 1928, 1932 અને 1936 સમર ઓલિમ્પિકમાં ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકોની તેની પ્રથમ હેટ્રિક હાંસલ કરી હતી જેમાં મેજર ધ્યાનચંદે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
1956માં ધ્યાનચંદને ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ આપવામાં આવ્યું હતું.
મેજર ધ્યાનચંદના મૃત્યુ પછી, ભારતીય ટપાલ વિભાગે તેમના માનમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો અને દિલ્હીના નેશનલ સ્ટેડિયમનું નામ બદલીને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ રાખવામાં આવ્યું.
રાષ્ટ્રીય રમતગમત દિવસનું મહત્વ
રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને રમતગમતના મહત્વ વિશે જણાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે. રમતગમત એ ફિટ રહેવાની એક સરસ રીત છે, તેથી શક્ય હોય તેટલી અંદર કે બહાર..કેટલીક રમતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.