અમદાવાદના તમામ સ્મશાન ગૃહને કેમ સ્વચ્છ રખાતા નથી ?, AMCને જવાબ આપવા હોઈકોર્ટનો આદેશ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 24 સ્મશાનગૃહોની સ્વચ્છતા અને હાઇજીન માટેના કોન્ટ્રાક્ટના મામલે હાઇકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણીમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે મ્યુનિ. કોર્પોરેશનને એવી વેધક ટકોર કરી હતી કે, સ્મશાનગૃહમાંથી મ્યુનિ. રૂપિયા કમાય છે, તો કમ સે કમ એની સ્વચ્છતા અને હાઇજીનનું પણ ધ્યાન તો રાખવું જોઇએ. માણસના મૃત્યુ બાદ તેનો આત્મા અંતિમ યાત્રાએ આ જ સ્થળેથી નીકળે છે, જો ત્યાં પણ શાંતિ અને સ્વચ્છતા ન જળવાય તો કોઇ અર્થ નથી.’ આ મામલે અર્બન હાઉસિંગ વિભાગના સચિવને પણ જવાબ આપવા આદેશ કરાયો છે. અને આ રિટની વધુ સુનાવણી 13મી ઓકટોબરે હાથ ધરાશે.
ગુજરાત હાઈકોર્ટમાં આ સમગ્ર મામલે એડવોકેટ વિકાસ નાયર દ્વારા એક રિટ કરીને હાઉસકિપિંગના કોન્ટ્રાક્ટનો વિવાદ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેની સુનાવણીની સાથે જ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ચિંતાની મુદ્રામાં આવી ગયા હતા અને અમદાવાદના સ્મશાન ગૃહ કેટલા ગંદા અને અસ્વચ્છ છે તે જોયું છે કે નહીં એવો પ્રશ્ન અમદાવાદ મ્યુ. કોર્પો. અને સરકારના વકીલને કર્યો હતો. ત્યારબાદ કોર્ટે ટકોર કરી હતી કે, શહેરમાં કોઇ સ્મશાનગૃહ સ્વચ્છ નથી. સરકાર કે કોર્પોરેશને કોઇ યોજના બહાર પાડવી જોઇએ. દરેક સ્થળે સ્મશાનગૃહ ગંદા અને અસ્વચ્છ છે, અમદાવાદ જ નહીં સમગ્ર દેશમાં આવી જ પરિસ્થિતિ છે. કોઇ સંસ્થા કે કોઇ અન્યની મદદ લો અને કોઇ યોજના બહાર પાડો કે સ્મશાન ગૃહને સ્વચ્છ અને સાફ રાખવામાં આવે.’ મ્યુનિના વકીલે રજુઆત કરી હતી કે, રાજકોટમાં ટ્રસ્ટના નામે સ્મશાનગૃહ ચાલે છે અને એ કોઇના નામે છે તેથી તેઓ અત્યંત સ્વચ્છ રાખે છે. આવી કોઇ પહેલ થવી જોઇએ. કોર્ટ ઓફિસર તરીકે અમે કોર્ટને કહીએ છીએ કે દરેક સ્મશાનગૃહ સ્વચ્છ હોવા જોઇએ.’ દરમિયાન કોર્ટે ફરી ટકોર કરી હતી કે, સ્મશાનગૃહોથી કોર્પોરેશન રૂપિયા પણ કમાય છે તેમ છતાંય તે અસ્વચ્છ છે. સ્મશાનગૃહની અંદરના ભાગે કે જ્યાં અંતિમ વિધિ થાય છે ત્યાં તો કમ સે કમ સ્વચ્છતા હોવી જોઇએ. તંત્રે આ મામલે કોઇ યુનિક(અલાયદી) યોજના બહાર પાડવી જોઇએ અને દેશમાં કોઇ પણ સ્મશાનગૃહોની સ્વચ્છતાની વાત કરે તો ‘ગુજરાત મોડલ’ની જ વાત થવી જોઇએ.’ આ કેસની વધુ સુનાવણી 13મી ઓક્ટોબરે રાખવામાં આવી છે.