રાજકોટમાં ખાનગી બસોના પ્રવેશ માટે જ પ્રતિબંધ, ડમ્પર, ટ્રક સહિત મોટા વાહનોને છુટછાટ કેમ?
રાજકોટઃ શહેરમાં માધાપર ચેકડીથી પુનિતનગર ટાંકા સુધીના રોડ પર ખાનગી લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધુ છે. પોલીસ દ્વારા લેવાયોલા આ નિર્ણયથી ખાનગી બસ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર સહિત વિવિધ શહેરોમાંથી નિયમિત આવતી લકઝરી બસના પ્રવાસીઓને શહેરની બહાર જ ઉતારી દેવા પડશે. પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાશે. બીજીબાજુ ખાનગી લકઝરી બસના ઓપરેટરોએ એવી રજુઆત કરી છે. કે, શહેરમાં પ્રવેશબંધી માત્ર ખાનગી લકઝરી બસ પુરતી જ કેમ મર્યાદિત છે. કારણ કે, ડમ્પર અને ટ્રક સહિત મોટા વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પોલીસ કમિશ્નરે 16મી જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડી પુનિતનગર ટાંકાથી માધાપર ચોકડી સુધી માત્ર લકઝરી બસોની અવરજવર માટે સવારે 8થી રાત્રીના 9 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકી દેતા જાહેરનામાને લઈને ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા રાજકોટના સાંસદ ઉપરાંત ધારાસભ્યને રૂબરૂ મળી રજૂઆતો કર્યા બાદ પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા હતા અને જાહેરનામું પરત ખેંચવા માંગ કરી હતી.
ટ્રાવેલ્સ એસોસિએશનનાં પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે, શહેરના પુનિતનગર ટાંકાથી માધાપર ચોકડી સુધી લકઝરી બસો માટે પ્રતિબંધના જાહેરનામા વચ્ચે ખાનગી બસ સંચાલકોને 150 ફુટ રિંગ રોડ પર ઊભા રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેને પોલીસ કમિશ્નર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ રોડ પર અન્ય સરકારી વાહનો, ડમ્પર તથા ટ્રકને અવર-જવરની છૂટ યથાવત રાખવામાં આવી છે. આથી, આ બાબત ખાનગી લકઝરી બસોના સંચાલકો માટે અન્યાયરૂપ છે. માટે આ જાહેરાનામું પરત ખેંચવા માટે પોલીસ કમિશનર સમક્ષ રજુઆત કરવા આવ્યા છીએ.આગામી દિવસોમાં અમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના નેતાઓને મળી રજુઆત કરીશું અને આ નિરાકરણ નહિ આવે તો અન્ય ટ્રાવેલ્સ એસોસીએશનને સાથે રાખી લડત ચલાવીશું.