અમદાવાદઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાને બદલવાનો નિર્ણય લઈ શકાતો નથી. કોંગ્રેસમાં જુથબંધીને લીધે સંગઠન વેરવિખેર છે ત્યારે યૂથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ નીખિલ સવાણી પર યૂથ કોંગ્રેસના જ અન્ય જૂથ દ્વારા હુમલો કરવા-માર મારવાની ઘટના આગામી દિવસોમાં ગંભીર રૂપ ધારણ કરે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. યૂથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ નીખિલ સવાણીએ યુવા પાંખના માથાભારે જૂથની દાદાગીરી સામે પ્રદેશના નેતાઓ આંખ આડા કાન કરતા હોવાના, હુમલો પૂર્વઆયોજીત હોવા સાથે મેમ્બરશીપ ડ્રાઈવ માત્ર પૈસા એકઠા કરવા માટે થતી હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉપપ્રમુખ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
નીખિલ સવાણીએ જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવક કોંગ્રેસની મેમ્બરશીપ લોન્ચિંગના કાર્યક્રમ વખતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, AICCના મહામંત્રી દીપક બાબરિયા, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને ગુજરાત યૂથ કોંગ્રેસના બંને પ્રભારીની હાજરીમાં તેમના તથા તેમના સાથી મિત્રો ઉપર હુમલો કરવાની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ અગાઉ પાર્ટીમાંથી બે વખત સસ્પેન્ડ પણ થઇ ચૂક્યા છે અને તેમની સાથે રહેલા અન્ય લોકો NSUI અને યૂથ કોંગ્રેસને પોતાના બાપ-દાદાની પેઢી સમજી NSUI અને યૂથ કોંગ્રેસમાં જોડાતા યુવાનોને કોઈને કોઈ રીતે માનસિક ટોર્ચર અને અપમાનિત કરી કેવી રીતે પાર્ટી છોડે તેવા આયોજનો કરતા રહે છે.
અગાઉ ગુજરાત યુનિ.ના વેલ્ફેર, સેનેટ કે સિન્ડિકેટ મેમ્બર, NSUIના નેશનલ ડેલીગેટ સહિતના પદાધિકારી સારી રીતે કામ કરી રહ્યા હોવા છતાં પણ તેમને પાર્ટી છોડવા મજબૂર કરાયા છે. યૂથ કોંગ્રેસમાં પ્રમુખ બનાવવા માટેની મેમ્બરશીપ ફક્ત અને ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું છે કે, ભૂતકાળમાં લાખોની સંખ્યામાં સભ્યો બનાવી કરોડો રૂપિયાનું ફંડ દિલ્હી મોકલવામાં આવ્યું હતું, પરંતુ મેમ્બરશીપનો ડેટા આજદિન સુધી ક્યાંય પણ ઉપયોગમાં લેવાયો નથી. જેની પાસે વધુ પૈસા હોય એ વ્યક્તિ જ યૂથ કોંગ્રેસના પ્રમુખ બની શકે તેવી સ્થિતિ છે અને જો લાખોની સંખ્યામાં યુવાનો કોંગ્રેસમાં જોડાયા હોય તો ગ્રાઉન્ડ ઉપર કેમ દેખાતા નથી.
(Photo - Social Media)