અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન રખડતા ઢોર રોડ-રસ્તાઓ પર અડ્ડો જમાવતા હોય છે. તેને લીધે ટ્રાફિકને ભારે અડચણ ઊભી થતી હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવા માટે ખાસ વિભાગ પણ કાર્યરત છે. અને તેની પાછળ ખૂબ ખર્ચ કરવામાં આવતો હોય છે. પરંતુ ઢોર પકડવાની ટીમ અને ઢોર માલિકો વચ્ચેની સાંઠગાંઠને લીધે ઢોર પકડવાની કામગીરી યોગ્યરીતે થતી નથી. તેવા આક્ષેપો પણ અવારનવાર થતાં હોય છે. આવો આક્ષેપ સ્ટે.કમિટીનાં એક સભ્યએ પણ કર્યો હતો.
સ્ટે.કમિટીની બેઠકમાં ભાજપનાં એક સભ્યે શહેરનાં ચોક્કસ વિસ્તારોમાં રખડતાં ઢોરની સમસ્યા હલ થઇ નથી અને સીએનસીડી ખાતામાં મુકાયેલાં પોલીસ કર્મચારીઓની બદલીઓ થઇ નથી, તે પૈકી કેટલાક માલધારીઓ સાથે મળી ગયાં હોવાનાં આક્ષેપ સાથે તેમની બદલી કરવા માટે રજૂઆત કરતાં મ્યુનિ.કમિશનરે આ બાબતે રાજય સરકારને જાણ કરીશું તેવી હૈયાધારણ આપી હતી. બીજી બાજુ ભાજપનાં સભ્યનાં આક્ષેપ અને રજૂઆતનાં જવાબમાં સીએનસીડી ખાતા દ્વારા સપ્ટેમ્બર મહિનામાં 1073 ઢોર પકડ્યા હોવાનો દાવો કરતાં 80 એફઆઇઆર નોંધાવી હોવાની માહિતી આપી હતી. તદઉપરાંત 202 પશુપાલકોને નોટિસ ફટકારવામાં આવી હોવાની તથા 577 ઢોર પાંજરાપોળમાં મોકલી દીધા હોવાની વિગતો આપી હતી. એટલુ જ નહિ સપ્ટેમ્બર માસ દરમિયાન 8.65 લાખ રૂપિયા જેટલો દંડ વસુલ કરીને 142 ઢોર છોડવામાં આવ્યા હોવાની જાણકારી સ્ટે.કમિટીમાં આપવામાં આવી હતી.
સ્ટે.કમિટીની બેઠક બાદ સભ્યોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, શહેરનાં ચોક્કસ વિસ્તારોમાં તમે સાંજનાં સમયે જાવ તો રખડતાં ઢોર રોડ ઉપર બેઠેલા કે ટહેલતા જોવા મળશે, એક બાજુ સ્ટ્રીટ લાઇટ બંધ હોય અને બીજી બાજુ રખડતાં ઢોર રોડ ઉપર બેઠા હોય તેવી સ્થિતિમાં જીવલેણ અકસ્માતની સંભાવના વધી જાય છે. કેટલાય નાનામોટા અકસ્માત તો રોજેરોજ થાય છે, નાગરિકો પણ યોગ્ય જાણકારીનાં અભાવે કોઇ ફરિયાદ કરતા નથી. સ્ટે.કમિટી સભ્યોએ સીએનસીડી ખાતાની ઢોર પકડતી ટીમો પાસે ખરેખર તો સાંજે જ આક્રમક ઝુંબેશ શરૂ કરાવવી જોઇએ તેવી માંગણી કરી હતી. એક સભ્યે અગાઉનાં કમિશનર સમયની સીએનસીડી ખાતાની કામગીરી યાદ કરી હતી અને તે સમયે સીએનસીડી ખાતુ રોજનાં 70થી 100 ઢોર પકડતુ હતુ તેવો દાવો કરતાં કહ્યું કે, અત્યારે રોજનાં 50 ઢોર પણ પકડાતા નથી. એટલુ જ નહિ પશુપાલકો પણ તેમને ઉપયોગી ન હોય તેવા ઢોર રોડ ઉપર રખડતા મુકી દે છે અને તેવા ઢોરનો નિભાવ ખર્ચ મ્યુનિ.ને શિરે આવે છે. તેનો દાખલો આપતાં સભ્યે કહ્યું કે, છેલ્લા છ મહિનામાં 4693 ઢોર પકડાયા તેમાંથી 3000 ઢોર પાંજરાપોળ મોકલવા પડ્યા અને જેની જરૂર હતી તેવા 522 ઢોર જ પશુપાલકો છોડાવી ગયાં છે.