અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનો વિકટ પ્રશ્ન છે. ત્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી પહેલા જ સરકારમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ ભરાતી નથી એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. આપ’ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે જણાવ્યું હતું કે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ 10 લાખ લોકોને રોજગાર આપવાની વાત કરી છે. ત્યારે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. ગુજરાતની સ્થાપના થયા બાદ મહેકમ ખુબ જ જૂનું ચાલી રહ્યું છે. આ મહેકમ બદલવાની જરૂર છે. અને 10 લાખ લોકોને રોજગારી મળી શકે તેમ છે. રાજ્ય સરકારના જુદા જુદા 27 વિભાગોમાં જ સાડાત્રણ લાખ જગ્યાઓ ખાલી છે. ત્યારે ભાજપે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.
તેમણે જણાવ્યુંહતું કે, રાજયમાં સરકારી શાળાઓમાં 28,200 જેટલી શિક્ષક, આચાર્યો અને વિદ્યાસહાયક સહિતની ઘટ છે. ઉર્જા વિભાગમાં 6500 જગ્યાઓ, આરોગ્ય વિભાગમાં 38,500 જગ્યાઓ ખાલી છે. સરકારમાં 27 વિભાગમાં 3.5 લાખ શિક્ષિત બેરોજગારોને નોકરી આપી શકાય એટલી જગ્યાઓ ખાલી છે. સરકાર યુવાધનને રોજગારી આપી ન શકે તો રાજીનામું આપી દેવું જોઈએ. અત્યારે હર ઘર રોજગારની જરૂર છે. પાંચ વર્ષમાં આમ આદમી પાર્ટી રોજગાર આપશે. ભાજપ સરકાર દ્વારા વર્ગ 4ની કાયમી ભરતી બંધ કરી દેવામાં આવી છે.
આપ’ના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં 50 ટકા કોન્ટ્રાકટ સિસ્ટમ ચાલે છે. જેમાં ભાજપના નેતાઓ પોતાના મળતિયાઓને રોજગાર આપે છે. યુવાનોને કોન્ટ્રાકટ કરતા કાયમી નોકરીઓ આપવી જોઈએ. ભાજપનો 2016ના મેનિફેસ્ટોમાં વિજય રૂપાણીની સરકારમાં 15થી 20 લાખ રોજગારી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પાંચ વર્ષમાં કેટલા યુવાનોને સરકારી નોકરી આપી ? તે લોકો સારી રીતે જાણે છે. સહકારી ક્ષેત્રોમાં ખાનગીકરણ થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો કાયમી રોજગારી લોકોને ભાઈ ભત્રીજા અને સગાઓ વગર મળશે. લોકોને રોજગારી આપવા માટે રોડ મેપ તૈયાર છે. કોન્ટ્રાકટ સિસ્ટમ ચાલે છે તેમાં ફિક્સ વેતન છે તેમ ભથ્થા ક્યાં આપી શકાય તેની વિચારણા આમ આદમી પાર્ટી કરી રહી છે. તલાટીઓ અને બિનસચિવાલયની જાહેરાત થઈ છે પરંતુ નિમણુંકપત્ર અપાયા નથી.