કેમ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સ-ડે?, વાંચો આ વર્ષની થીમ
- આજે વિશ્વ નર્સિસ દિવસ તરીકેની કરાઈ ઉજવણી
- કોરોનાની મહામારીમાં નર્સો દ્વારા સરાહનીય કાર્ય
- છેલ્લા સવા વર્ષથી રાત- દિવસ કરી રહ્યા છે કામ
12 મેને વિશ્વ નર્સિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફ્લોરેન્સ નાઈટીંગલે માનવસેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી છે. ફ્લોરેન્સને લેડી વિથ લેમ્પ કહેવામાં આવે છે. તેમની યાદમાં આ દિવસ ઉજવાય છે.ડોકટરોની સાથે બીમારોની સારવારમાં પૂર્ણ સહયોગ આપનાર નર્સોની કોરોના મહામારીથી પીડિત લોકોની સારવારમાં મહત્વની ભૂમિકા છે.
નર્સોની હિંમત અને તેમના પ્રશંસનીય યોગદાન કાર્ય માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે છેલ્લા સવા વર્ષથી રાત-દિવસ જોયા વગર,ભલે ગમે તેવો કપરો સમય હોય છતાં પણ ફરજ પર હાજર રહીને કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા નર્સ અને બ્રધર્સને કેવી રીતે ભૂલી શકાય?
‘આંતરરાષ્ટ્રીય નર્સ’ દિવસનો ઇતિહાસ
આધુનિક નર્સિંગની સ્થાપક અને સમાજ સુધારક નર્સ ફ્લોરેન્સ નાઈટિંગલનો જન્મ ૧૨મી મેના રોજ થયો હતો. સમાજમાં તેના યોગદાન બદલ આ દિવસ સમગ્ર વિશ્વમાં નર્સિંગ ડે તરીકે ઉજવાય છે. તો 1974 માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી. આ દિવસે આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ઓફ નર્સ દ્વારા નર્સોને કીટનું વિતરણ કરવામાં આવે છે. તેમાં તેના કામને લગતી સામગ્રી છે. નર્સોનું યોગદાન અને ટેકો ખૂબ મહત્વનો છે. સ્વાસ્થ્ય સેવાઓ તેમના સહયોગ વિના અધૂરી છે.
આ છે આ વખતેની થીમ
આજે લોકો કોરોના વાયરસ મહામારીની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે.આ કિસ્સામાં આપણા નર્સોનું યોગદાન પ્રશંસનીય છે. તો, આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ઓફ નર્સ તરફથી આ વખતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2021 ની થીમ નર્સ : અ વોઇસ ટુ લીડ – અ વિઝન ફોર ફ્યુચર હેલ્થકેર રાખવામાં આવી છે. એટલે કે,’નેતૃત્વ માટે એક અવાજ : ભવિષ્યના સ્વાસ્થ્ય માટે દ્રષ્ટિ’ આ વખતની થીમ છે.ભવિષ્યમાં આના આધારે નર્સોનું સ્વાસ્થ્ય સેવામાં મહત્વ અને તેમના નેતૃત્વને લઈને કામ કરવામાં આવશે.