કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીએ હાથ ધરેલા “મારી દીકરી-સમૃદ્ધ દીકરી” અભિયાનને વ્યાપક પ્રતિસાદ
અમદાવાદ : ભારતીય પોસ્ટલ વિભાગ ગુજરાત વર્તુળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહન કાર્યક્રમ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં યોજાયો હતો.સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી,દમણ,દીવ અને લક્ષદ્વ્રીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દાદરા નગર હવેલીની લાભાર્થી કન્યાઓના વાલીઓને પોસ્ટ વિભાગની પાસબુકનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત લોકભાગીદારીની આ યોજનામાં સમર્પિત ભાવથી કામ કરનારા પોસ્ટલ વિભાગના અધિકારીઓ અને કર્મયોગીઓનું પણ સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ દીકરીઓની ચિંતા કરી સુકન્યા સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરી તેને અમલમાં મૂકી હતી.જેના પગલે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પોતાના પોસ્ટ વિભાગની જવાબદારી અંતર્ગત ગુજરાતમાં “મારી દીકરી-સમૃદ્ધ દીકરી” અભિયાન આરંભ્યું હતું, જેમાં રાજ્યની 10લાખ દીકરીઓને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બર 2022 સુધીમાં ગુજરાતમાં આ લક્ષ્યાંકને પાર કરી 1.50 લાખ જેટલી દીકરીઓનો મારી દીકરી-સમૃદ્ધ દીકરી અભિયાન હેઠળ જોડીને સુકન્યા સમૃદ્ધિ યોજનાને વેગ આપી તે કન્યાઓના વાલીઓની ભવિષ્યની ચિંતા હળવી કરી છે. આ યોજના અંતર્ગત દીકરીના જન્મ વખતે વાલી રૂપિયા 250થી લઇ 150000 સુધીની રકમ જમા કરાવી શકે અને ૨૧ વર્ષે તેના ખાતામાં પાકતી રકમ જમા કરવામાં આવે છે. આ પ્રસંગે ગુજરાત વર્તુળના જનરલ પોસ્ટ માસ્તર જીતેન્દ્ર ગુપ્તા સહીત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.