- કારખાનેદારોએ કામના કલાકો ઘટાડી દીધા,
- દિવાળી વેકેશન વહેલુ પાડવામાં આવશે,
- વૈશ્વિકસ્તરે હીરાની માગ ઘટતાં હીરા ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો
સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી ચાલી રહી છે, અને હવે તો વ્યાપક મંદીના વમળોમાં હીરા ઉદ્યોગ ફસાયો છે. હીરાના કારખાનેદારો નાણાની ખેંચ અનુભવી રહ્યા છે. તૈયાર માલની લેવાલી ઘટી ગઈ છે. તેથી કારખાનેદારોએ રત્ન કલાકારોના કામના કલાકોમાં ઘટાડો કર્યો છે. સપ્તાહમાં બે દિવસ રજા રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે રત્નકલાકારોને દિવાળી વેકેશન વહેલા જાહેર કરી દેવામાં આવશે.
સુરત શહેરમાં 5000 ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ્સ કે જે 10 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે, હીરાના કારખાનેદારોએ રત્નકલાકારોના કામના કલાકો 12 કલાકથી ઘટાડીને 8 કલાક કર્યા છે અને સાપ્તાહિક રજાઓ એકથી વધારીને બે કે ત્રણ દિવસ કરી છે, જેનાથી વેતનમાં ઘટાડો થયો છે. હીરા ઉદ્યોગમાં હાલ વૈશ્વિક મંદીનો દૌર ચાલી રહ્યો છે. તાજેતરમાં હોંગકોંગ જ્વેલરી શોમાં ચાઇનીઝ ખરીદદારોએ ઓછી માંગ કરી હતી. હોંગકોંગ એ મુખ્ય ડાયમંડ હબ છે, જ્યાંથી ચીની ખરીદદારો હીરાની ખરીદી કરે છે. આ માંગમાં ઘટાડો થતાં મંદીમાં વધારો થયો છે. ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમને આશા હતી કે ચીન તાજેતરમાં હોંગકોંગ શોમાં કુદરતી હીરાની ખરીદી કરશે. પરંતુ કમનસીબે તેમ થયું નથી સુરતના હીરા કામદારો અપેક્ષા રાખી રહ્યાં છે કે વૈશ્ર્વિક બજારોમાં નબળી માંગને કારણે એકમો ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ દિવાળીની રજા જાહેર કરશે.
ડાયમંડ વર્કર્સ યુનિયન, ગુજરાતના પ્રમુખના કહેવા મુજબ સૌથી ખરાબ વાત એ છે કે જ્યારે અમારી પાસે કોઈ કામ ન હોય તે દિવસોમાં અમને વેતન ચૂકવણી કરવામાં આવતી નથી. ભારત પોલિશ્ડ હીરાનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે, જે વિશ્વના લગભગ 90 ટકા રફ હીરાને પ્રોસેસ કરે છે અને વૈશ્વિક હીરાની નિકાસમાં 33 ટકાનો હિસ્સો ધરાવે છે. યુરોપીયન સેન્ટ્રલ બેંકે દરમાં ઘટાડો કર્યો હોવાથી યુરોપમાંથી માંગ વધવાની સંભાવના છે. “એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દર ઘટાડા બાદ ઈયુમાં આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી આવશે. આનાથી કુદરતી હીરાની ખરીદીને વેગ મળવાની અપેક્ષા છે.
થિંક ટેન્ક ગ્લોબલ રિસર્ચ ટ્રેડ ઇનિશિએટિવ દ્વારા બહાર પાડવામાં આવેલાં અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે, ઘણાં એકમો પાસે પોલિશ્ડ હીરાની ન વેચાયેલી ઇન્વેન્ટરી છે, જેથી તે રફ હીરાની આયાત નથી કરી શકતાં કારણ કે તેઓ હાલની ઇન્વેન્ટરી વેચ્યાં વિના વધુ સ્ટોક ન લઈ શકે. ઉદ્યોગ પણ ધિરાણ પર ઘણો આધાર રાખે છે, પરંતુ વધુ કડક ધિરાણની સ્થિતિ અને બેંકો તરફથી ઓછા ધિરાણને કારણે કંપનીઓ માટે રફ હીરા ખરીદવાનું મુશ્કેલ બન્યું છે, જેનાં કારણે ઉત્પાદન અટકી ગયું છે. (File photo)