સુરતઃ ગુજરાતના અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગને છેલ્લા ઘણા સમયથી મંદીનું ગ્રહણ લાગ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારી બાદ વૈશ્વિક બજારમાં હીરાની માગ ઘટી છે. રિયલ ડાયમંડ તેમજ લેબગ્રોન ડાયમંડ એમ બંનેની માગમાં ઘટાડો થતા સીધી જ અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના હીરાના કારખાનામાં દર વર્ષો 10 દિવસ કે પખવાડિયાનું ઉનાળનું વેકેશન જાહેર કરવામાં આવતું હોય છે. જો કે, આ વખતે હીરા ઉદ્યોગમાં એક મહિનો જેટલું વેકેશન આપવામાં આવે તેવો માહોલ ઉભો થયો છે. છેલ્લા બે વર્ષથી રિયલ હીરાની માગ ઘટી જ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના લેબગ્રોન ડાયમંડની વૈશ્વિક બજારમાં માગ ઘટતા સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે જો કે, હીરાના વેપારીઓ એક મહિના બાદ ફરી માગ વધશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. હાલના સમયમાં હીરા ઉદ્યોગમાં વેકેશન પડવાના શરૂ થઈ ચૂક્યા છે. જેમાં વેકેશન ખૂલવાની તારીખ આપવામાં આવી નથી. જો વેકેશન લંબાશે તો રત્નકલાકારોની હાલત ખૂબ ખરાબ થઈ શકે તેમ છે. હાલ વૈશ્વિક લેવલે સુરતના રિયલ અને લેબગ્રોન એમ બંને હીરાની માગ ઘટતા હીરા ઉદ્યોગકારો ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ, રત્નકલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી છે. તેથી સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર સામે રત્નદીપ યોજના શરૂ કરવામાં આવે તેવી માગ મૂકવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી આવતા જ રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. સાથે જ કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. ફિક્સ પગારધારક તેમજ છૂટક કામ કરતા રત્નકલાકારોને કામ માટે ફાંફાં પડી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. તેને કારણે રત્નકલાકારોને આર્થિક ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. હીરામાં ઉનાળું વેકેશન પહેલાં મંદીને લઈ હીરા ઉદ્યોગકારો ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ રત્નકલાકારોને ન્યાય આપવા માટે ડાયમંડ વર્કર યુનિયન મેદાનમાં આવ્યું છે. જે રીતે 2008ની વૈશ્વિક મંદીમાં સરકારે રત્નદીપ યોજના લાગુ કરી હતી. તે જ રીતે આ મંદીના સમયમાં રત્નદીપ યોજના શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ યોજનાથી રત્નકલાકારોના ઘરનું ગુજરાન ચાલી શકે તેમ છે. આ સાથે જ હીરા શીખવા માટે સરકાર દ્વારા જે ભથ્થું આપવામાં આવે છે તેનાથી મંદીમાં ફાયદો થશે. તેથી રત્નકલાકારોના હિતને ધ્યાને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકારને રત્નદીપ યોજના લાગુ કરવા માગ કરવામાં આવી છે. (file photo)