નવી દિલ્હીઃ બિહારના પાટલીપુત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં ઈન્ડિ ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ઈન્ડિ ગઠબંધનમાં ગાંધી પરિવારના દીકરો અને આમ આદમી પાર્ટીના આકાની પત્નીનું નામ રેસમાં સામેલ છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના પરિવારના તમામ સભ્યો સાથે મળીને પીએમની ખુરશીને લઈને મ્યુઝિકલ ચેર વગાડવા માંગે છે. પીએમ મોદીએ ભત્રીજાવાદના મુદ્દે રેલીમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવને પણ ઘેર્યા હતા. તેમણે કહ્યું કે LEDના જમાનામાં બિહારમાં અહીં પણ ફાનસ છે. પરંતુ આ એક એવો ફાનસ છે, જે ફક્ત એક જ ઘરને પ્રકાશિત કરે છે. આ ફાનસથી બિહારમાં અંધકાર ફેલાયો છે.
પટના રેલીમાં વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, ચૂંટણી પરિણામોને લઈને એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે. એનડીએની સફળતાનો એક્ઝિટ પોલ આવી ગયો છે. 4 જૂને પાટલીપુત્ર અને દેશમાં પણ નવો રેકોર્ડ બનશે. છઠ્ઠા તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરીને તેમણે લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે આ સાંસદોને ચૂંટવાની ચૂંટણી નથી. આ ચૂંટણી દેશના પીએમની પસંદગી કરવાની છે. ભારતને કેવા પીએમની જરૂર છે? ભારતને એવા પીએમની જરૂર છે જે વિશ્વની સામે આ શક્તિશાળી દેશની તાકાત રજૂ કરી શકે. બીજી તરફ, ઈન્ડી ગઠબંધન 5 વર્ષમાં 5 PM આપવાની છે.
પીએમએ કહ્યું કે બિહારની આ ધરતીએ સામાજિક ન્યાયના સંદર્ભમાં સમગ્ર દેશને દિશા બતાવી છે. મેં બિહારમાં એસસી-એસટી-ઓબીસીના આરક્ષણના અધિકાર માટે લાંબી લડાઈ લડી છે, પરંતુ આજે હું બિહારના જાગૃત લોકો સમક્ષ દુખ અને ભારે દર્દ સાથે એક કડવું સત્ય રજૂ કરી રહ્યો છું.
તેમણે કહ્યું કે બંધારણ કહે છે કે ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત આપવામાં આવશે નહીં. બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે, ધર્મના આધારે આરક્ષણ નહીં મળે, પરંતુ આરજેડી-કોંગ્રેસ એસસી/એસટી/ઓબીસી ક્વોટા નાબૂદ કરીને ધર્મના આધારે તેમની વોટબેંકને અનામત આપવા માંગે છે.