Site icon Revoi.in

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટીશ જેલમાંથી મુક્ત કરાયા

Social Share

નવી દિલ્હીઃ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટીશ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે લંડનના સ્ટેનસ્ટેન્ડ એરપોર્ટ પર ફ્લાઈટમાં સવાર થતાં જુલિયન અસાંજેનો વિડીયો વિકિલીક્સે સોશિયલ મિડીયા પર શેર કર્યો છે. લંડનના અખબાર ધ ગાર્ડિયને તેના અહેવાલમાં આ ઘટનાની વિગતવાચર ચર્ચા કરી છે.

સોમવારે રાત્રે જાહેર કરાયેલા કોર્ટના દસ્તાવેજો અનુસાર 52 વર્ષીય અસાંજે તેમની આઝાદીના બદલામાં લશ્કરી રહસ્યોને જાહેર કરવાનો તેમનો ગુનો કબુલવા માટે સંમત થઈ ગયા છે. અમેરિકાના મારિયાના ટાપુઓ ખાતેની કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર અસાંજેને રાષ્ટ્રીય સંરક્ષણ માહિતી મેળવવા અને પ્રસારિત કરવાના ષડયંત્રના એક ગુનામાં દોષિત ઠેરવાશે.

વિકિલીક્સે બ્રિટીશ સમય અનુસાર મંગળવારે સવારે માહિતી આપી છે કે જુલિયન અસાંજે મુક્ત છે અને તેમણે બ્રિટન છોડી દીધુ છે. તે સ્થાનિક સમય મુજ બુધવારે સવારે અમેરિકા પહોંચે તેવી સંભાવના છે. જુલિયન અસાંજે પર લગભગ 15 વર્ષ પહેલા તેની વેબસાઈટ પર યુએસના દસ્તાવેજોના પ્રકાશન પર 17 ગુનાઓ અને કોમ્પ્યુટરના દુરુપયોગનો આરોપ મુકવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અસાંજે સાત વર્ષ સુધી લંડનમાં ઇક્વાડોર એમ્બેસીમાં આશ્રય લીધા બાદ છેલ્લા પાંચ વર્ષ બ્રિટિશ જેલમાં વિતાવ્યા હતા. અમેરિકી અધિકારીઓ ઈચ્છતા હતા કે અસાંજે વિકિલીક્સ પર હજારો વર્ગીકૃત દસ્તાવેજો પ્રકાશિત કરીને કથિત રીતે લોકોના જીવનને જોખમમાં મુકવા બદલ ટ્રાયલનો સામનો કરે. જ્યારે બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે અસાંજે સામેનો કેસ રાજકીય રીતે પ્રેરિત હતો. અસાંજેને 62 મહિનાની જેલની સજા કરવામાં આવશે. તેમની સજા તેમણે પાંચ વર્ષ બ્રિટિશ જેલમાં વિતાવ્યા છે તેના આધારે પૂર્ણ ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે તે તેના વતન ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે.