કેનેડાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ આગથી લગભગ 25 હજાર એકર વિસ્તારમાં તબાહી મચી ગઈ છે. આગને કાબુમાં લેવા માટે વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે આગ જે દિશામાં આગળ વધી રહી છે ત્યાં તેલનો ભંડાર છે. કેનેડામાં આ આગ હવે ફોર્ટ મેકમુરે તરફ આગળ વધી રહી છે.
વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, આગ ઝડપથી રહેણાંક વિસ્તારો અને તેલના ભંડાર તરફ આગળ વધી રહી છે. આગનું કારણ ગરમ પવન અને શુષ્ક હવામાન હોવાનું કહેવાય છે. ગાઢ જંગલોમાંથી ફાટી નીકળેલી આગ હવે પશ્ચિમ કેનેડાના ઓઇલ ટાઉન ફોર્ટ મેકમુરે સુધી પહોંચી છે. ખતરાને જોતા અહીંના ચાર વિસ્તારોમાંથી લગભગ 6000 લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેલના ભંડાર પાસે આગ લાગવાને કારણે બુધવારે તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આગ લાગ્યા બાદ તેલના ભાવમાં વધારો
આ તરફ આગ બાદ બુધવારે તેલના ભાવ વધવા લાગ્યા હતા. અહીં દરરોજ લગભગ 10 લાખ બેરલ તેલનું ઉત્પાદન થાય છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 34 સેન્ટ વધીને બેરલ દીઠ $82.71 થયો હતો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર (WTI) 38 સેન્ટ વધીને $78.39 પ્રતિ બેરલ થઈ ગયું છે.
25000 એકરમાં ફેલાઈ ગઈ આગ
પ્રશાસનના જણાવ્યા અનુસાર આગ ફેલાઈ રહી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આગ એબાસન્ડ, હિલ, બીકન, પ્રેરી ક્રીક અને ગ્રેલિંગના ઉપનગરોમાં ફેલાઈ શકે છે. કારણ કે ગરમ હવાની ગતિ ઓછી નથી થઈ રહી આખા વિસ્તારમાં લગભગ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે આગ ફેલાઈ રહી છે. પ્રશાસને અહીંના લોકોને વહેલી તકે ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.