અમદાવાદઃ ગીર જંગલ વિસ્તારમાં ફાંસલા ફસાયેલુ સિંહબાળ મળી આવતા વનવિભાગ હરકતમાં આવ્યું હતું. તેમજ ફાંસલા ગોઠવનારા શિકારીઓને ઝડપી લેવા તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસે 25 જેટલા શખ્સોની અટકાયત કરી હતી. જેમની પાસેથી 15 જેટલા ફાંસલા અને વન્યપ્રાણીઓના હાડકા મળી આવ્યાં હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામ નજીકના રેવન્યુ વિસ્તારમાં શિકારી ટોળકીએ ગોઠવેલા ફાંસલામાં એક સિંહબાળ ફસાઈ ગયા બાદ વિફરેલી સિંહણે શિકારી પર હુમલો કર્યા હતો. જે બાદ ગીર જંગલમાં શિકારી ટોળકી સક્રીય હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સિંહબાળને બચાવી લીધો હતો. દરમિયાન વનવિભાગે જુનાગઢ પોલીસની મદદથી વંથલી તાલુકાના વાડલા ફાટક નજીકથી અન્ય ત્રણ શખ્સો સાથે ઘાયલ શખ્સને ઝડપી લીધો હતો. તેમજ ગીર જંગલ સહિત આસપાસના રેવન્યુ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વન વિભાગને સ્થાનિક લોકો દ્વારા માહિતી મળી હતી કે, ઝૂંપડામાં રહેતા અન્ય લોકો ઉના અને ભાવનગર તરફ નાસી છૂટયા છે. જેથી વન વિભાગે એસ.ઓ.જી.ની મદદ લઇ આ લોકોને શોધવા માટેની કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ભાવનગરની નારી ચોકડી પાસેથી 5 શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી લોખંડનો ફાંસલો, સાંકળ, સહિતના સાધનો અને વન્ય પ્રાણીઓના હાડકા કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાવનગરના સિહોર ગામેથી 5 પુરુષ અને 8 મહિલાઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ પાલીતાણાના બગદાણા ગામેથી 4 શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. તમામ શખ્સોની વનવિભાગે પોલીસની મદદથી પૂછપરછ આરંભી છે.