ભારતમાં એપ્રિલ મહિનાથી તમામ ટ્રેનો ફરીથી શરૂ થવાની શકયતા
દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. બીજી તરફ કોરોનાનું રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. અનલોકમાં ટ્રેન વ્યવહાર ધીમે-ધીમે શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ 65 ટકાથી વધારે ટ્રેનો દોડી રહી છે. જો કે, આગામી એપ્રિલ મહિનાથી તમામ ટ્રેનોનું સામાન્ય સંચાલન શરૂ થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં લાઈફલાઈન ગણાતા રેલ વ્યવહારને પણ બંધ કરવામાં આવ્યો હતો. જો કે, શ્રમજીવીઓને તેમના વતન પહોંચાડવા અને જીવન જરૂરી વસ્તુઓના પરિવહન માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જો કે, અનલોકમાં જીનજીવન ફરીથી ધબકતુ થતા ભારતીય રેલવે દ્વારા ક્રમશઃ ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર હાલ દેશમાં 65 ટકાથી વધારે ટ્રેનો દોડી રહી છે. જાન્યુઆરી મહિનામાં 250 જેટલી ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે લગભગ બે મહિના સુધી સમગ્ર દેશમાં રેલ વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો.
દેશમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે-ધીમે ઘટી રહ્યું છે. જેથી ભારતીય રેલવે દ્વારા આગામી દિવસો વધારે ટ્રેનો પાટા ઉપર દોડતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી એપ્રિલ મહિનાથી દેશમાં ફરીથી રેલ વ્યવહાર રાબેતા મુજબ ધમધમતો થવાની શકયતા છે. રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રેન સેવામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં 65 ટકાથી વધુ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. સંજોગોને ધ્યાનમાં રાખીને વધારે ટ્રેનો શરૂ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.