ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ અપાશે કે નહીં ? શું છે ભાજપની મુંઝવણ ?
ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર ભાજપ બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ આપશે કે નહીં તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બનેલો છે, કારણ કે પાર્ટીએ હજુ આ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. અને પાર્ટીએ કોઈ સંકેત પણ આપ્યો નથી. દરમિયાન પક્ષના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપોને કારણે મોકૂફ રાખવામાં આવી રહ્યો છે.
કોર્ટનો ચૂકાદો સામે આવ્યા બાદ લેવાઇ શકે છે નિર્ણય
બ્રિજભૂષણ શરણ સિંહ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને આ મહિનાના અંત સુધીમાં દિલ્હી કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે કોર્ટના નિર્ણયને જોઈને ટિકિટ નક્કી કરવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે જો નિર્ણય બ્રિજભૂષણ શરણ સિંહના પક્ષમાં આવે છે તો તેમને ટિકિટ મળી શકે છે. અન્યથા તેમના જ પરિવારના કોઈપણ સભ્યને ઉમેદવાર બનાવી શકાય છે.
તેમની પત્નીને ટિકીટ અપાય તેવી પણ ચર્ચા
જો તેમના તરફેણમાં નિર્ણય ન આવે તો તેમની પત્ની કેતકી સિંહને ટીકીટ અપાય તેવી પણ ચર્ચા થઈ રહી છે. કેતકી સિંહ આ પહેલા 1996 થી 1998 સુધી સાંસદ રહી ચુક્યા છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ ભૂષણ પરિવારમાં કોઈને ટિકિટ આપવા માંગતા નથી અને પોતે લડવા માંગે છે.તેથી ભાજપ માટે કૈસરગંજ બેઠક પર નિર્ણય લેવો થોડો મુશ્કેલ હશે.
આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે ચૂકાદો
ગયા અઠવાડિયે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આરોપ ઘડવા અંગેનો નિર્ણય દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આવવાનો હતો. પરંતુ બ્રિજ ભૂષણે અપીલ કરી હતી કે આ મામલે વધુ તપાસ થવી જોઈએ. તેમની અરજી સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે અને આ મહિનાના અંત સુધીમાં ચૂકાદો આવી શકે છે.. બ્રિજ ભૂષણે પોતાની અરજીમાં એવી પણ દલીલ કરી હતી કે જે દિવસે એક મહિલા રેસલરે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો તે દિવસે તે દેશની બહાર હતા.